નેશનલ ગેમ્સઃ ગુજરાતના ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈનો સપાટો, જીત્યો ગોલ્ડ મેડલ - national games 2022 gujarat table tennis star harmeet desai wins mens singles gold medal

નેશનલ ગેમ્સઃ ગુજરાતના ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈનો સપાટો, જીત્યો ગોલ્ડ મેડલ – national games 2022 gujarat table tennis star harmeet desai wins mens singles gold medal


ગુજરાતમાં રમાઈ રહેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ પશ્મિમ બંગાળની સુતિર્થા મુખર્જીએ જીત્યો છે. હરમીત દેસાઈ ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની ટીમનો પણ ભાગ રહ્યો હતો. વિમેન્સ ટીમનો ગોલ્ડ મેડલ પશ્ચિમ બંગાળે જીત્યો હતો અને સુતિર્થા તે ટીમનો ભાગ રહી હતી. સુતિર્થાએ ઐહિકા મુખર્જી સાથે મળીને વિમેન્સ ડબલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ સુતિર્થા મુખર્જીએ નેશનલ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.

શનિવારે રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. એક પણ ગેમમાં તે દબાણમાં જોવા મળ્યો ન હતો. સુરતના 29 વર્ષીય પેડલરે હરિયાણાના સૌમ્યજીત ઘોષ સામે 11-8, 11-4, 11-7, 11-8થી વિજય નોંધાવ્યો હતો. જ્યારે સુતિર્થાએ પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું અને તેલંગાણાની શ્રીજા અકુલાને 11-8, 11-7, 11-8, 12-14, 11-9થી પરાજય આપીને ત્રીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. મેન્સ અને વિમેન્સ સિંગલ્સની ફાઈનલ રોમાંચક બની રહેશે તેવું માનવામાં આવતું હતું પરંતુ હરમીત અને સુતિર્થાએ પોત-પોતાના હરીફ ખેલાડીઓને એક પણ તક આપી ન હતી.

અગાઉ શનિવારે જ હરમીત અને સુતિર્થાએ અપસેટ સર્જ્યા હતા. હરમીતે ટુર્નામેન્ટમાં ટોચના ક્રમાંકિત ખેલાડી તામિલનાડુના જી સાથિયાનને હરાવ્યો હતો. જ્યારે સુતિર્થાએ દિલ્હીની મણિકા બત્રાને પરાજય આપ્યો હતો. મેડલ ટેલીમાં ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે પશ્ચિમ બંગાળની ટીમ ટોચ પર છે. જ્યારે યજમાન ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતે ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *