ભારત માટે લોકેશ રાહુલ અને સુકાની રોહિત શર્માની જોડી ઓપનિંગમાં આવી હતી. ભારતની શરૂઆત આક્રમક રહી હતી પરંતુ ટીમે રોહિત શર્માની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. રોહિત અને રાહુલની જોડીએ 2.4 ઓવરમાં 21 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા નવ બોલમાં 11 રન નોંધાવીને આઉટ થયો હતો. એશિયા કપમાં શાનદાર બેટિંગ કરનારો વિરાટ કોહલી ફક્ત બે રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ રાહુલ અને સૂર્યકુમાર યાદવની જોડીએ આક્રમક બેટિંગ કરીને ટીમના સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો. આ જોડીએ 68 રનની ભાગાદીરી નોંધાવી હતી. રાહુલે 35 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 55 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 25 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 46 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.
હાર્દિક પંડ્યાનો ઝંઝાવાત, ઓસ્ટ્રેલિયન બોલર્સની કરી ધોલાઈ
સારી શરૂઆત મળ્યાનો ફાયદો હાર્દિક પંડ્યાએ ઉઠાવ્યો હતો. તેણે કોઈ પણ જાતના દબાણ વગર ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. તેણે 25 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી દીધી હતી. જોકે, ત્યારબાદ પણ તે અટક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયન બોલર્સ પર આક્રમણ જારી રાખ્યું હતું. ભારતીય ઈનિંગ્સની અંતિમ ઓવરના અંતિમ ત્રણ બોલ પર તેણે ત્રણ સિક્સર ફટકારી હતી. તેણે 30 બોલમાં અણનમ 71 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. અક્ષર પટેલ અને દિનેશ કાર્દિકે છ-છ તથા હર્ષલ પટેલે અણનમ સાત રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસે ત્રણ, જોસ હેઝલવૂડે બે તથા ગ્રીને એક વિકેટ ઝડપી હતી.