સચિન આ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા લેજેન્ડ્સનો કેપ્ટન છે. સાઉથ આફ્રિકા સામેની આ મેચમાં કેપ્ટન સચિને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ માટે બેટિંગ કરવા ઉતર્યા હતા. જો કે તેઓ બેટિંગમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા અને 15 બોલમાં માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયા હતા, પરંતુ તે જેટલો લાંબો સમય ક્રિઝ પર રહ્યા તેમણે ચાહકોને તેમના જૂના દિવસો યાદ અપાવી દીધા. આ ઈનિંગ્સમાં સચિને બે શાનદાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
તમને જણાવી દઈએ કે સચિન દર વર્ષે આ ટુર્નામેન્ટમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે ભાગ લે છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ઈન્ડિયા ઉપરાંત સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ, બાંગ્લાદેશ લિજેન્ડ્સ, વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ, શ્રીલંકા લિજેન્ડ્સ, ઑસ્ટ્રેલિયા લિજેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ લિજેન્ડ્સની ટીમો ભાગ લે છે.
ઈન્ડિયા લિદેન્ડ્સ માટે સ્ટુઅર્ટ બિન્નીએ મચાવી ધમાલ
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સચિન તેંડુલકર બેટથી કંઈ ખાસ બતાવી શક્યા ન હતા, પરંતુ ટીમના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ તોફાની બેટિંગ કરી હતી અને 42 બોલમાં 82 રન ફટકાર્યા હતા. બિન્નીએ પોતાની ઇનિંગમાં 6 સિક્સર અને 5 ફોર પણ ફટકારી હતી. બિન્ની સિવાય યુસુફ પઠાણે 15 બોલમાં 35 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
તે જ સમયે તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર સુરેશ રૈનાએ પણ બેટિંગમાં તાકાત બતાવી. રૈનાએ 22 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ 21 રનની ઇનિંગ રમી હતી. આ રીતે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.