T20 Ranking: પાકિસ્તાની ખેલાડીએ જ બાબર આઝમનો નંબર-1નો તાજ છીનવી લીધો - mohammad rizwan displaces babar azam as no 1 t20i batter in icc mens rankings

T20 Ranking: પાકિસ્તાની ખેલાડીએ જ બાબર આઝમનો નંબર-1નો તાજ છીનવી લીધો – mohammad rizwan displaces babar azam as no 1 t20i batter in icc mens rankings


પાકિસ્તાની વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન ટી20 ક્રિકેટમાં નંબર-1 બેટર બની ગયો છે. આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલી નવી રેન્કિંગમાં રિઝવાને પોતાના સુકાની બાબર આઝમનું નંબર-1નું સ્થાન આંચકી લીધું છે. રિઝવાન છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં રમી રહ્યો છે. એશિયા કપમાં તેનું પ્રદર્શન ઘણું જ દમદાર રહ્યું છે. ગ્રુપ સ્ટેજમાં હોંગકોંગ સામે તેણે 57 બોલમાં અણનમ 78 રન ફટકાર્યા હતા જ્યારે સુપર-4 સ્ટેજમાં તેણે 51 બોલમાં 71 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. આ સાથે રેન્કિંગમાં તેના 815 પોઈન્ટ થઈ ગયા છે. મોહમ્મદ રિઝવાન કારકિર્દીમાં પ્રથમ વખત ટોચના સ્થાને પહોંચ્યો છે. તે ટી20 રેન્કિંગમાં નંબર વનના સ્થાને પહોંચનારો ત્રીજો પાકિસ્તાની બેટર છે. તેના પહેલા બાબર આઝમ 1155 દિવસ સુધી ટોચના સ્થાને રહ્યો હતો જ્યારે મિસ્બાહ ઉલ હક 20 એપ્રિલ 2008થી 27 ફેબ્રુઆરી 2009 સુધી 313 દિવસ સુધી ટોચના સ્થાને રહ્યો હતો.

રિઝવાન શાનદાર ફોર્મમાં છે પરંતુ તેને બાબર આઝમના કંગાળ ફોર્મથી તેને ફાયદો થયો છે. બાબર આઝમ એશિયા કપમાં ત્રણ મેચમાં ફક્ત 33 રન જ નોંધાવી શક્યો છે. રિઝવાને 192 રન નોંધાવ્યા છે. તાજેતરમાં ટી20 ક્રિકેટમાં રિઝવાનનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છે. 2021ની શરૂઆતથી તેણે 33 મેચમાં 73.38ની સરેરાશ અને 133.76ની સ્ટ્રાઈક રેટ સાથે 1541 રન નોંધાવ્યા છે.

ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો કેપ્ટન રોહિત શર્મા ચાર સ્થાનના કૂદકા સાથે 13માં ક્રમે પહોંચી ગયો છે. તેણે શ્રીલંકા સામે 41 બોલમાં 72 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, આ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાન સામે 40 બોલમાં 60 રન નોંધાવનારો વિરાટ કોહલી 29માં ક્રમે પહોંચ્યો છે. જોકે, ટોપ-10માં ભારતનો એકમાત્ર સૂર્યકુમાર યાદવ સામેલ છે. સૂર્યકુમાર 775 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

ટી20 બોલિંગ રેન્કિંગમાં કોઈ વધારે ફેરફાર થયા નથી. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવુડ 792 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. જ્યારે સાઉથ આફ્રિકાનો તબરૈઝ શમશી બીજા અને ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ત્રીજા ક્રમે છે. અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાન ચોથા અને ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝામ્પા પાંચમાં ક્રમે છે. ટી20 બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં એક પણ ભારતીય બોલર સામેલ નથી. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર 11માં ક્રમે છે. નોંધનીય છે કે એશિયા કપમાં છેલ્લી બે મેચમાં ભુવનેશ્વરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *