Asia Cup 2022, India vs Pakistan: રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીના કારણે ડાબોડી બેટર તરીકે રિશભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમે ઓલ-રાઉન્ડર તરીકે દીપક હૂડાને સામેલ કર્યો હતો જ્યારે દિનેશ કાર્તિકને બહાર કરીને રિશભ પંતને તક આપી હતી. જોકે, અત્યંત કંગાળ શોટ રમીને પંત આઉટ થતાં કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો હતો
હાઈલાઈટ્સ:
- એશિયા કપમાં સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતને પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
- આ મુકાબલામાં રિશભ પંતે 12 બોલમાં 14 રન નોંધાવ્યા હતા અને રિવર્સ સ્વિપ મારવાના ચક્કરમાં આઉટ થયો હતો
- રિશભ પંતે ખરાબ શોટ પસંદગી કરી હતી જેના કારણે કેપ્ટન રોહિત શર્માએ પિત્તો ગુમાવ્યો હતો
રિશભ પંત જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ભારત એકંદરે મજબૂત સ્થિતિમાં હતું. રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ટુર્નામેન્ટની બહાર થઈ ગયો હોવાના કારણે ડાબોડી બેટર તરીકે પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે દિનેશ કાર્તિકને અંતિમ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી. પંત 12 બોલમાં 14 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, તેણે રિવર્સ સ્વિપ ફટકારવાના ચક્કરમાં એક આસાન કેચ આપી દીધો હતો. આઉટ થયા બાદ જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે કેપ્ટન રોહિતે તેને આવા કંગાળ શોટની પસંદગી માટે ખખડાવ્યો હતો.
વિડીયોમાં તે પણ જોવા મળે છે કે રોહિતે કંગાળ શોટનું કારણ પૂછ્યું તેના જવાબમાં રિશભ પંત તેણે તે શોટ કેમ પસંદ કર્યો તેની દલીલો પણ કરે છે. નોંધનીય છે કે ભારતીય ટીમ હાલમાં વિકેટકીપર બેટર તરીકે દિનેશ કાર્તિકને પ્રાથમિકતા આપી રહી છે. તેથી કદાચ આગામી મેચમાં કાર્તિકને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
એશિયા કપમાં ભારત માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે વિરાટ કોહલીએ પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. તેણે પાકિસ્તાન સામે 60 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને લોકેશ રાહુલે 28-28 રન નોંધાવ્યા હતા. પરંતુ મોહમ્મદ રિઝવાને રમેલી શાનદાર ઈનિંગ્સના કારણે ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ