વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની ધમાકેદાર અડધી સદી
હોંગકોંગના સુકાની નિઝાકત ખાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સુકાની રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી ઓપનિંગમાં આવી હતી. આ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને ત્યારબાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગની મદદથી ભારતે નિર્ધારીત 20 ઓવરમાં બે વિકેટે 192 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. રાહુલ અને રોહિત શર્માની જોડીએ 4.5 ઓવરમાં 38 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 13 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે 21 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રાહુલે 39 બોલમાં 36 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં બે સિક્સર સામેલ હતી.
જોકે, ભારતીય બેટિગંનું આકર્ષણ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની બેટિંગ કરી હતી. કોહલી લયમાં જોવા મળ્યો હતો અને તેણે ઘણા આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે અંતિમ ઓવર્સમાં તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી જેના કારણે ભારત મોટો સ્કોર નોંધાવી શક્યું હતું. આ જોડીએ 98 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલીએ 44 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 59 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમારે ફક્ત 22 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. તે 26 બોલમાં છ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 68 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હોંગકોંગ માટે આયુષ શુક્લા અને મોહમ્મદ ઘઝનફરે એક-એક વિકેટ ખેરવી હતી.
હોંગકોંગના બેટર્સની નિરાશાજનક બેટિંગ
193 રનના મોટા લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ ઓલ-આઉટ તો ના થઈ પરંતુ તે ઝડપથી રન પણ નોંધાવી શકી ન હતી. તેના બેટર્સની બેટિંગ ધીમી અને નિરાશાજનક રહી હતી. ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો. હોંગકોંગની ટીમ માટે બાબર હયાતે સૌથી વધુ 41 રન નોંધાવ્યા હતા. તેણે 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. જ્યારે કિંચિત શાહે 28 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 30 રન ફટકાર્યા હતા. ઝીશાન અલીએ અણનમ 26 અને સ્કોટ મેકકેનીએ અણનમ 16 રનનું યોગદાન આપ્યું હતું. સુકાની ઓપનર નિઝાકત ખાન 10 રન નોંધાવી શક્યો હતો. ભારત માટે ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા અને અવેશ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.