ઈંગ્લેન્ડ સામે 12મી સદી ફટકારી
સ્ટિવ સ્મિથે ઈંગ્લેન્ડ સામે પોતાની 12મી ટેસ્ટ સદી ફટકારી હતી. સ્મિથે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો સાથે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં આઠમા સ્થાને આવી ગયો છે. એશિઝમાં સૌથી વધુ રન નોંધાવનારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની યાદીમાં તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 3173 રન ફટકાર્યા છે અને માત્ર ડોન બ્રેડમેન, જેક હોબ્સ અને એલન બોર્ડર જ તેનાથી આગળ છે. સ્મિથ 110 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે 184 બોલની ઈનિંગ્સમાં 15 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ કારણથી ફેબ-ફોરની યાદીમાં સ્મિથ આગળ છે
લોર્ડ્સમાં સ્ટીવ સ્મિથની સદી કેટલીક બાબતોમાં ખાસ છે. સ્મિથે આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લોર્ડ્સમાં રમાઈ રહેલી મેચ તેની કારકિર્દીની 99મી ટેસ્ટ છે. તેના નામે હવે 32 ટેસ્ટ સદી છે. આ સદી સાથે તેણે વર્તમાન યુગના અન્ય ત્રણ દિગ્ગજ બેટ્સમેન (જેઓ સ્મિથની સાથે ફેબ-4ની યાદીમાં સામેલ છે) પર સ્પષ્ટ લીડ બનાવી લીધી છે. ફેબ-4ની યાદીમાં સ્મિથ ઉપરાંત કોહલી, જો રૂટ અને કેન વિલિયમ્સન છે.
વિરાટ કોહલી રૂટ અને વિલિયમસન પણ પાછળ છે
સ્ટિવ સ્મિથે 32 ટેસ્ટ સદી ફટકારી છે. ત્યારબાદ ઈંગ્લેન્ડના સ્ટાર જો રૂટે 30 સદી ફટકારી છે. જ્યારે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસન અને વિરાટ કોહલીના નામે 28-28 ટેસ્ટ સદી છે. સ્મિથની આ સદી ફેબ-4ના બાકીના ત્રણ બેટર્સ પર દબાણ વધારશે. ટેસ્ટ ક્રિકેટના દ્રષ્ટિકોણથી પણ તે વધુ સારું રહેશે જ્યાં સ્મિથ આગળ રહેવાનો પ્રયાસ કરશે જ્યારે અન્ય ત્રણ તેને પાછળ છોડવામાં કોઈ કસર છોડશે નહીં. તેમની વચ્ચેનું ‘સદી-યુદ્ધ’ ટેસ્ટ ક્રિકેટમાં નવો ઉત્તેજના પેદા કરશે.