37 વર્ષના રાયડુએ પોતાની છેલ્લી મેચ 2 મેએ આઈપીએલ વિનર એમએસ ધોનીની કેપ્ટનશિપવાળી વિજેતા ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ માટે ફાઈનલમાં રમી હતી. સ્થાનિક મીડિયામાં કહેવાયું છે કે, રાયડુએ ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્ર પ્રદેશ અને હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે. હવે તે રાજ્યના વિભાજન પછી તેલંગાણાના ભાગ છે. તે ગ્રાઉન્ડ લેવલ પર લોકોની સમસ્યાઓને સમજવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ગુંટૂર જિલ્લાનો પ્રવાસ કરી રહ્યો છે.
રાયડુએ બુધવારે અહીં પાસેના એક ગામમાં મીડિયાને જણાવ્યું કે, ‘હું લોકોની સેવા કરવા માટે ટૂંક સમયમાં જ આંધ્ર પ્રદેશના રાજકારણમાં પ્રવેશ કરીશ. તેની પહેલા મેં લોકોની સમસ્યાઓને સમજવા માટે જિલ્લાના જુદા-જુદા વિસ્તારોનો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો છે.’ રિપોર્ટ્સ મુજબ, તેણે કહ્યું કે, તે પ્રોપર પ્લાન સાથે રાજકારણમાં આવશે અને તેના માટે કામ કરશે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, ક્રિકટરે એ અટકળોનું ખંડન કર્યું કે, તે ગુંટૂર કે મછલીપટ્ટનમ સંસદીય ક્ષેત્રમાંથી 2024ની લોકસભા ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યો છે. રિપોર્ટોમાં એમ પણ જણાવાયું છે કે, રાયડુ તાજેતરમાં જ અમીનાબાદ ગામમાં મુલંકારેશ્વરી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને ત્યાં પૂજા કરી હતી. તેણે ફિરંગીપુરમમાં સાઈ બાબા મંદિર અને બાલા યેસુ ચર્ચમાં પણ પ્રાર્થના કરી.
રાયડુએ ભારત માટે 55 વન-ડે અને 6 ટી-20 મેચ રમી છે. વન-ડેમાં તેણે 47.06ની સરેરાશથી 1,694 રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 124 રન છે. ટી-20માં તેણે છ મેચોમાં 42 રન બનાવ્યા છે. રાયડુ વર્ષ 2019ના વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે નંબર-4નું સ્થાન માટે મજબૂત બેટ્સમેનની જરૂરિયાત પૂરી કરી ચૂક્યો હતો. પરતં,વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત થઈ તેમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી અને તેના બદલે ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપવામાં આવી હતી. વર્લ્ડ કપ માટેની ટીમમાં અંબાતી રાયડુ પ્રબળ દાવેદાર હતો, છતાં તેને અચાનક બહાર કરી દેવાયો હતો. તે પછી અંબાતી રાયડુએ સિલેક્ટર્સના નિર્ણયના વિરોધમાં ક્રિકેટના બધા ફોર્મેટમાં નિવૃત્તિ લઈ લીધી હતી. વિજય શંકરની પસંદગી માટે સિલેક્ટર્સએ એવો તર્ક આપ્યો હતો કે, તે 3ડી ઓપ્શન- બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ- પુરું પાડશે.