અજીત અગરકર રેસમાં સામેલ હોવાના મીડિયા અહેવાલ બુધવારે આવ્યા હતા અને હવે તેણે દિલ્હી કેપિટલ્સ ટીમ છોડી તે અહેવાલ આવતા જ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય ક્રિકેટ ટીમના આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 ટીમની પસંદગી સમયે તે મુખ્ય પસંદગીકાર હોઈ શકે છે. દિલ્હી કેપિટલ્સે તે વાતની પુષ્ટી કરી છે કે અગરકર અને શેન વોટસન હવે સહયોગી સ્ટાફનો ભાગ નથી. ટીમે ટ્વિટ કર્યું હતું કે, આ હંમેશ માટે તમારું ઘર રહેશે. આભાર અજીત અને વાટ્ટો (વોટસન). ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
અગરકરે 2021માં પણ પસંદગીકારના પદ માટે ઈન્ટર્વ્યુ આપ્યો હતો પરંતુ ત્યારે ઉત્તર ક્ષેત્રથી ચેતન શર્મા પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. દિવંગત કોચ રમાકાંત આચરેકરના શિષ્ય રહેલો 45 વર્ષીય અગરકર 191 વન-ડે, 26 ટેસ્ટ અને ચાર ટી20 મેચ રમી ચૂક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તે સમયે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને અગરકરની દાવેદારી સામે વાંધો હતો અને તેના કારણે તેની પસંદગી થઈ ન હતી. આ ઉપરાંત અગરકરની પસંદગી થઈ હતો તો ચેતન શર્મા અધ્યક્ષ ના બન્યા હોત જેમને બોર્ડના એક વર્ગનું સમર્થન હાંસલ હતું.
અગરકર 2007ની ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમો ભાગ રહ્યો છે અને ભારતીય ટીમ માટે રમવાનો તેનો અનુભવ પણ ઘણો મજબૂત છે. તેવામાં તેની દાવેદારી પાક્કી માનવામાં આવી રહી છે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના વર્તમાન પદાધિકારીઓને હવે કોઈ વાંધો નથી કેમ કે તેમની પાસે હવે સલિલ અંકોલા છે. દિલીપ વેંગસરકર અને રવિ શાસ્ત્રીના નામની પણ અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ તેની પુષ્ટી થઈ શકી નથી કે તેમને અરજી કરી છે કે નહીં. વેંગસરકર 2005થી 2008 સુધી અધ્યક્ષ રહ્યા હતા.