સૂર્યકુમારે મચાવ્યું તોફાન, મુંબઈ ઈન્ડિયન્સનો ધમાકેદાર વિજય
મુંબઈ ઈન્ડિયન્સ સામે 200 રનનો કપરો લક્ષ્યાંક આવ્યો હતો. જોકે, મુંબઈના બેટર્સે શરૂઆતથી જ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. કેપ્ટન રોહિત શર્મા ફક્ત સાત રન નોંધાવીને આઉટ થયો હતો પરંતુ તે સિવાય ઓપનર ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ તાબડતોબ બેટિંગ કરી હતી. તેમાં પણ સૂર્યકુમાર યાદવે તેના આગવા અંદાજમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ટીમને ધમાકેદાર વિજય અપાવ્યો હતો. ઈશાન કિશન 21 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 42 રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમનો સ્કોર 52 રન હતો ત્યારે કિશન અને રોહિત શર્મા આઉટ થઈ ગયા હતા.
જોકે, સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ તોફાની બેટિંગ કરી હતી અને 140 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. બંને બેટર્સે અડધી સદી ફટકારી હતી. જેમાં નેહલ વાઢેરા અણનમ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને છ સિક્સર સામેલ હતી. જ્યારે નેહલ વાઢેરાએ 34 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 52 રનની ઈનિંગ્સ રમી હતી. બેંગલોર માટે વાનિન્દુ હસારંગા અને વિજયકુમાર વીશકે બે-બે વિકેટ ઝડપી હતી.
કેપ્ટન ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની ઝંઝાવાતી અડધી સદી
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ટીમે સ્ટાર ઓપનર વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ટીમનો સ્કોર 16 રન થયો હતો ત્યારે અનુજ રાવત આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. આ જોડીએ મુંબઈના બોલર્સની ચોમેર ધોલાઈ કરી હતી.
ડુપ્લેસિસ અને મેક્સવેલ તોફાની બેટિંગ કરી હતી અને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ જોડીએ 120 રનની ભાગીદારી નોંધાવી હતી. ડુપ્લેસિસ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 65 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મેક્સવેલે 33 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 68 રન ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર દિનેશ કાર્તિકે 18 બોલમાં 30 તથા કેદાર જાધવ અને હસારંગાએ અણનમ 12-12 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે બેહરેનડોર્ફે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.