lsg vs csk ipl 2023, IPL: લખનૌ અને ચેન્નઈની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો - ipl 2023 lsg and csk match called off due to rain split points

lsg vs csk ipl 2023, IPL: લખનૌ અને ચેન્નઈની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો – ipl 2023 lsg and csk match called off due to rain split points


આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં બુધવારે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલો મુકાબલો વરસાદમાં ધોવાઈ ગયો હતો. વર્તમાન સિઝનમાં મેચ ધોવાઈ ગઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. મેચ ધોવાઈ જવાના કારણે લખનૌ અને ચેન્નઈને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજા ક્રમે છે. બંનેના 11-11 પોઈન્ટ છે પરંતુ લખનૌની નેટ રનરેટ સારી હોવાના કારણે તે બીજા સ્થાને છે.

ભીના આઉટફિલ્ડના કારણે મેચ 15 મિનિટ મોડી શરૂ થઈ હતી અને પ્રથમ ઈનિંગ્સની અંતિમ ઓવર દરમિયાન ફરીથી વરસાદ શરૂ થયો હતો. જેના કારણે રમત અટકાવી દેવી પડી હતી. જોકે, વરસાદ અટકવાનું નામ લઈ રહ્યો ન હતો જેના કારણે મેચ અધિકારીઓએ મેચ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે વરસાદના કારણે મેચ અટકાવી દેવી પડી ત્યાં સુધીમાં લખનૌ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં સાત વિકેટે 125 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં મિડલ ઓર્ડરના બેટર આયુષ બદોનીએ 33 બોલમાં 59 રન ફટકાર્યા હતા અને તે રમતમાં હતો.
વરસાદના કારણે પિચને અસર થઈ હતી અને તેવી પિચ પર બદોનીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. બદોની જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ટીમે 44 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, તેણે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. બદોનીએ પોતાની ઈનિંગ્સમાં બે ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના બોલર્સે તેના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને યજમાન લખનૌ ટીમના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. ઓપનર મનન વોરા 10 અને કાયલે માયર્સ 14 રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે કરન શર્મા નવ અને માર્ક્સ સ્ટોઈનિસ છ રન નોંધાવીને આઉટ થયા હતા. કેપ્ટન કૃણાલ પંડ્યા પ્રથમ બોલ પર પેવેલિયન ભેગો થયો હતો. લખનૌનો કેપ્ટન લોકેશ રાહુલ ઈજાના કારણે આઈપીએલ-2023માંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈ માટે મોઈન અલી, મહીષ તીક્ષના અને મથીશા પથિરાનાએ બે-બે તથા રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *