કોલકાતાની બેટિંગ દરમિયાન 15મી ઓવરમાં આન્દ્રે રસેલ પોતાની જ ધૂનમાં જોવા મળ્યો હતો. બોલિંગની જવાબદારી ‘ચાઈનામેન’ કુલદીપ યાદવ સંભાળી રહ્યો હતો. ત્રીજા બોલ પર જેસન રોયને આઉટ કર્યા બાદ તેણે બીજા જ બોલમાં અનુકુલ રોયને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. હવે ઉમેશ યાદવ ત્રીજા અને હેટ્રિક બોલનો સામનો કરવા તૈયાર હતો. આ બોલ મેચની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતો કારણ કે જો અહીં વિકેટ પડી હોત તો 93 રનમાં નવ વિકેટ પડી ગઈ હોત. આ ઉપરાંત કુલદીપ યાદવને હેટ્રિક પણ મળી ગઈ હોત. પરંતુ નોન-સ્ટ્રાઈક એન્ડ પર રહેલો આન્દ્રે રસેલ પોતાની મસ્તીમાં મગ્ન હતો.
હેટ્રિક બોલ પર આન્દ્રે રસેલે કરી વિચિત્ર હરકત
કુલદીપ યાદવ તેની હેટ્રિક માટે તૈયાર હતો. પરંતુ નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા રસેલનું ધ્યાન મેચ પર બિલકુલ ન હતું. તે ડીપ મિડવિકેટ તરફ માથું નમાવીને ઊભો રહ્યો હતો. બેટ્સમેન સામાન્ય રીતે પ્રેક્ટિસ સેશન દરમિયાન આવું કરે છે, પરંતુ મેચ દરમિયાન આવી પ્રેક્ટિસ ક્રિકેટપ્રેમીઓની પણ સમજની બહાર હતી. સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા કે રસેલ શું કરી રહ્યો હતો. બાદમાં સોશિયલ મીડિયા પર તેના મીમ્સ પણ બનવા લાગ્યા હતા.
માંડ માંડ દિલ્હી નોંધાવ્યો સિઝનમાં પોતાનો પ્રથમ વિજય
આ મુકાબલામાં બંને ટીમના બેટર્સને બેટિંગમાં મુશ્કેલી નડી હતી. કોલકાતાએ જેસન રોયના 43 અને આન્દ્રે રસેલના 38 રનની મદદથી 20 ઓવરમાં 127 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં દિલ્હીને પણ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નરે 41 બોલમાં 57 રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ દિલ્હીને જીતવા માટે અંતિમ ઓવર સુધી રમવું પડ્યું હતું. દિલ્હીએ 19.2 ઓવરમાં છ વિકેટે 128 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. વર્તમાન સિઝનમાં પ્રથમ પાંચ મેચમાં પરાજય બાદ દિલ્હીનો આ પ્રથમ વિજય હતો.