આ મેચમાં લખનૌએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદીની મદદથી બેંગલોરે નિર્ધારીત 20 ઓવરમાં બે વિકેટે 212 રનનો મોટો સ્કોર ખડકી દીધો હતો. જેના જવાબમાં લખનૌએ એક સમયે 23 રનમાં ત્રણ અને 99 રનમાં ચાર વિકેટ ગુમાવી દીી હતી. પરંતુ બાદમાં નિકોલસ પૂરન અને સ્ટોઈનિસે આક્રમક બેટિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનને ઝંઝાવાતી બેટિંગથી લખનૌનો વિજય
લખનૌ સામે 213 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જેના જવાબમાં ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. 23 રનમાં ટીમે પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનર કાયલે માયર્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે દીપક હૂડા નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કૃણાલ પંડ્યા પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે ઓપનર કેપ્ટન લોકેશ રાહુલ 20 બોલમાં 18 રનનું યોગદાન આપી શક્યો હતો. ટીમે 99 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.
જોકે, માર્ક્સ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરને ત્યારબાદ ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને મેચની બાજી પલટી નાંખી હતી. નિકોલસ પૂરને તો 15 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આ જોડીએ બેંગલોરના હાથમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. નિકોલસ પૂરને 19 બોલમાં જ 62 રન ફટકારી દીધા હતા. જેમાં ચાર ચોગ્ગા અને સાત સિક્સર સામેલ હતી. જ્યારે સ્ટોઈનિસે 30 બોલમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 65 રન ફટકાર્યા હતા. આયુષ બદોનીએ પણ 24 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર માટે મોહમ્મદ સિરાજ અને વેન પાર્નેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલને બે તથા કર્ણ શર્માને એક વિકેટ મળી હતી.
કોહલી, ડુપ્લેસિસ અને મેક્સવેલની તોફાની બેટિંગ, બેંગલોરનો જંગી સ્કોર
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જેનો ફાયદો ઉઠાવતા વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડીએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. કોહલી અને ફાફ ડુપ્લેસિસે 11.3 ઓવરમાં 96 રન ફટકારી દીધા હતા. કોહલી અને ડુપ્લેસિસ બંનેએ અડધી સદી ફટકારી હતી. કોહલીએ 44 બોલમાં 61 રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી.
જ્યારે ડુપ્લેસિસે 46 બોલમાં 79 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે પાંચ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે પણ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો હતો અને તેણે પણ તાબડતોબ બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. બેંગલોરે 20 ઓવરમાં બે વિકેટે 212 રનનો સ્કોર નોંધાવ્યો હતો. લખનૌ માટે માર્ક વૂડ અને અમિત મિશ્રાએ એક-એક વિકેટ ઝડપી હતી.