પરંતુ હવે ડાન્સર અને એક્ટર ધનશ્રીએ સમગ્ર બાબતે ખુલાસો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરોની સાથે એક મોટી પોસ્ટ લખી છે અને તેમાં જ અટકળો બાબતે મૌન પણ તોડ્યું છે. ધનશ્રીએ લખ્યું કે, ગુડ મોર્નિંગ મિત્રો, અહીં હું તમને જીવનની વાસ્તવિક અપડેટ આપી રહી છું. આજે હું થોડું વધારે સુતી. રિકવર થવા માટે આ ઊંઘ જરૂરી હતી. પણ જ્યારે મેં મારી આંખ ખોલી હું ઘણી જ સ્ટ્રોન્ગ અને કોન્ફિડન્ટ ફીલ કરતી હતી. હું પાછલા 14 દિવસથી આ અનુભવની શોધમાં હતી.
ધનશ્રીએ પોતાની ઈજા વિશે જાણકારી આપતાં લખ્યું , ડાન્સ કરતી વખતે મારા ઢીંચણમાં ઈજા થઈ અને લિગામેન્ટની સમસ્યા ઉભી થઈ ગઈ, જેના કારણે મેં આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. હું ઘરે આરામ કરી રહી છું અને પથારીથી કાઉચ અને કાઉચથી પથારી સુધીની જ હલનચલન કરી શકુ છું. પરંતુ આ મુશ્કેલ સમયમાં મારા પતિ, પરિવાર અને નજીકના મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. જો મારે જીવનમાં ફરીથી ડાન્સ કરવો હશે તો ડોક્ટર્સની સલાહ અનુસાર સર્જરી કરાવવી પડશે. રોજબરોજના સામાન્ય કામ પણ જાતે ન કરી શકવાની સ્થિતિ મારા માટે ઘણી કપરી હતી. આ સમયે જ્યારે મને સૌથી વધારે સપોર્ટની જરૂર હતી ત્યારે લોકોએ અમારા વિશે એક સમાચાર ફેલાવવાની શરુઆત કરી. મારા માટે આ વાત ઘણી પીડાદાયક હતી.
ધનશ્રીએ જણાવ્યું કે, અત્યારે મને સૌથી વધારે ડર એ વાતનો છે કે આ ઈજા સાથે હું જીવનમાં કેવી રીતે આગળ વધી શકીશ. સર્જરી પછી પણ ઘણાં મહિનાઓ સુધી મારે આરામ કરવો પડશે, ફિઝિયોથેરાપી લેવી પડશે. ઘણા દિવસો સુધી આ ડર સાથે જીવ્યા પછી આજે હું ઝીરો ફિયર સાથે ઉઠી છું. હવે મને વિશ્વાસ છે કે, મેં ખૂબ મહેનત કરી છે જેના પરિણામે સન્માન મેળવ્યું છે. આ ઈજા અને પાયાવિહોણી અટકળોને કારણે તેને હું મારાથી દૂર નહીં થવા દઉ. અંતમાં ધનશ્રીએ આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે, મારી કમજોરીને મારી તાકાતમાં પરિવર્તિત કરવા બદલ આભાર. અને પછી અંતમાં તેણે લખ્યું DVC, જેનો અર્થ છે ધનશ્રી વર્મા ચહલ.
કમેન્ટ સેક્શનમાં યુઝવેન્દ્ર ચહલે પણ પ્રતિક્રિયા આપી છે. ક્રિકેટરે લખ્યું કે, માય વુમન. આ પોસ્ટ અને કમેન્ટ પરથી કહી શકાય કે દંપતીના લગ્નજીવનમાં કોઈ સમસ્યા નથી અને તમામ અટકળો પાયાવિહોણી હતી.
તમને જણાવી દઈએ કે કોરોના લોકડાઉન દરમિયાન ચહલ અને ધનશ્રીએ લગ્ન કર્યા હતા. ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર છે અને સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. લગ્ન પછી ઘણી વાર યુઝવેન્દ્ર ચહલ પણ તેની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.