સુદર્શનની શાનદાર અડધી સદી, ગુજરાતને અપાવ્યો વિજય
163 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી ન હતી. એનરિચ નોર્ટજેએ ટીમને શરૂઆતમાં જ બે મોટા ઝટકા આપ્યા હતા. તેણે બંને ઓપનર્સને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની જોડીની શરૂઆત નિરાશાજનક રહી હતી. સહા સાત બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 14 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ગિલે 13 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રન ફટકાર્યા હતા. આ બંને બેટરને નોર્ટજેએ બોલ્ડ કર્યા હતા. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ફક્ત પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.
જોકે, સાઈ સુદર્શને એક છેડો જાળવી રાખ્યો હતો. તેણે શરૂઆતમાં મક્કમતાથી બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને મક્કમગતિએ આગળ ધપાવ્યો હતો. બાદમાં તેણે અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરી હતી. તેને પહેલા વિજય શંકર અને બાદમાં ડેવિડ મિલરનો મજબૂત સાથ મળ્યો હતો. વિજય શંકરે 23 બોમાં 29 રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. સુદર્શને અડધી સદી ફટકારી હતી અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે 48 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદધથી 62 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલર 16 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 31 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી માટે નોર્ટજેએ બે તથા ખલીલ અહેમદ અને મિચેલ માર્શે એક-એક વિકેટ ઝડપી હતી.
ડેવિડ વોર્નર અને અક્ષર પટેલે ટીમનો સ્કોર પડકારજનક બનાવ્યો
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીનો કોઈ ખેલાડી મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. પરંતુ કેપ્ટન ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન અને અક્ષર પટેલની ઉપયોગી ઈનિંગ્સની મદદથી દિલ્હી કેપિટલ્સનો સ્કોર પડકારજનક બનાવ્યો હતો. ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પૃથ્વી શો અને મિચેલ માર્શની વિકેટો સસ્તામાં ગુમાવી દીધી હતી. પૃથ્વી શો સાત અને માર્શ ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન ડેવિડ વોર્નરે 32 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 37 રન ફટકાર્યા હતા.
ત્યારબાદ સરફરાઝ ખાને પણ ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. તેણે 34 બોલમાં બે ચોગ્ગા સાથે 30 રન નોંધાવ્યા હતા. પરંતુ રિલી રોસો ખાતું ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. અંતિમ ઓવર્સમાં અભિષેક પોરેલ અને અક્ષર પટેલે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. પોરેલે 11 બોલમાં 20 રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 22 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 36 રનની ઈનિંગ્સ રમી હતી. ગુજરાત માટે મોહમ્મદ શમી અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અલઝારી જોસેફને બે સફળતા મળી હતી.