ઉલ્લેખનીય છે કે અત્યારસુધી IPLમાં આ બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ છે અને દરેક મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે બાજી મારી લીધી છે. જોવા જાઈએ તો ચેન્નઈની ટીમના ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન અને ગુજરાતના શુભમન ગિલે સૌથી વધુ 63 રન કર્યા હતા. તો ચલો આપણે જાણીએ કે ગુજરાત ટાઈટન્સે ખરાબ શરૂઆત થઈ હોવા છતા કેવી રીતે બાજી પલટી તથા ચેન્નઈની હાર પાછળનું મોટુ કારણ કયું રહ્યું છે.
મેચના 3 ટર્નિંગ પોઈન્ટ
- ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. શરૂઆત પણ સારી રહી અને ચેન્નઈની 14 રનમાં પહેલી વિકેટ પડી ગઈ. જોકે અહીંથી ઋતુરાજ અને મોઈન અલીએ ઈનિંગ સંભાળી જે ચેન્નઈ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો. બંનેએ સ્કોરને 50 રનને પાર પણ પહોંચાડ્યો હતો. તેવામાં જો વધુ એક વિકેટ પડી ગઈ હોત તો રાશિદ ખાનનો એટેક લગાવી હાર્દિક પકડ બનાવી લેત.
- ચેન્નઈ સુપરકિંગ્સનો સ્કોર 200ને પાર પહોંચે એવી સ્થિતિ હતી. પરંતુ ગુજરાતના બોલર્સે કમબેક કર્યું અને એક જ ઓવરમાં ઋતુરાજ તથા જાડેજા આઉટ થઈ જતા બાજી પલટાઈ ગઈ હતી. વિકેટો ગુમાવતા ચેન્નઈનો સ્કોર 20 ઓવરમાં 178 રહ્યો હતો.
- રાશિદ ખાનની વિસ્ફોટક બેટિંગે જીતનો કોળિયો ચેન્નઈના મોઢામાંથી છીનવી લીધો. 179 રનના ટાર્ગેટ સામે ગુજરાતે 18 ઓવરમાં 156 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે રાહુલ તેવટિયા વિસ્ફોટક ફોર્મમાં નહોતો જોવા મળ્યો તો બીજી બાજુ રાશિદ ખાને પ્રેશર સંભાળી લીધું હતું. આવતાની સાથે જ તેણે 2 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી બાજી પલટી નાખી હતી.
નો બોલે CSKની બાજી બગાડી, GTએ ઉઠાવ્યો ફાયદો
એક્સટ્રા રનની વાત કરીએ તો ચેન્નઈએ આ મેચમાં 12 રન આપ્યા હતા. જેમાં 2 નો બોલ સામેલ હતા. એટલુ જ નહીં ટીમને વધુ મુશ્કેલી ત્યારે પડી જ્યારે આ ફ્રી હિટમાં એકવાર ચોગ્ગો અને બીજી વાર છગ્ગો ફટકારવામાં આવ્યો હતો. આનાથી જે પ્રેશર ગુજરાતના બેટર પર હતું એ ઓછું થઈ ગયું અને તેઓ અલગ રિધમમાં આવી ગયા હતા. ચેન્નઈના બોલર્સે લાઈન અને લેન્થમાં ઘણી ભૂલો કરી છે. કેપ્ટન ધોનીએ પણ મેચ પૂરી થયા પછી બોલર્સની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી.
CSK: મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યું
પહેલી વિકેટ ગુમાવ્યા પછી ચેન્નઈએ સારી શરૂઆત કરી હતી. પરંતુ ઋતુરાજ ગાયકવાડ અને ધોની સિવાય તમામ બેટર ફેલ રહ્યા હતા. ગાયકવાડે 92 રન કર્યા જ્યારે ધોની 7 બોલમાં 14 રન કરી અણનમ રહ્યો હતો. પરંતુ બીજી બાજુ સ્ટોક્સ, રાયડુ, શિવમ દૂબે, જાડેજા જેવા આક્રમક ખેલાડીઓ કઈ ખાસ કરી ન શક્યા. જેથી કરીને મિડલ ઓર્ડર આ મેચમાં નિષ્ફળ રહ્યું અને એક સમયે 200ને પાર જે સ્કોર લાગતો હતો તે 178 સુધી રહી ગયો હતો.
કેપ્ટનનું પ્રદર્શનઃ ધોની 8મા નંબરે બેટિંગ કરવા આવ્યો
ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો બેક ટુ બેક વિકેટ પડી ગઈ હોવા છતા ધોની મિડલ ઓર્ડરમાં આવ્યો નહોતો. 8મા નંબર પર રમવા આવતા પણ ચેન્નઈને મોટો ફટકો પડ્યો છે. પરંતુ ધોની જે પ્રમાણેનો વિસ્ફોટક બેટર છે એને જોતા તે હજુ એક ઓર્ડર ઉપર આવ્યો હોત તો બાજી પલટાઈ શકી હોત.