ભારતનો કંગાળ પ્રારંભ, શરૂઆતમાં ગુમાવી દીધી વિકેટો
189 રનનો લક્ષ્યાંક પાર પાડવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. જોકે, મિચેલ સ્ટાર્કના ઝંઝાવાત સામે ભારતના ટોપ ઓર્ડરના બેટર્સ ફ્લોપ રહ્યા હતા. ઈશાન કિશન ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી ફક્ત ચાર રન જ નોંધાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. શુભમન ગિલ 31 બોલમાં 20 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતે 39 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં લોકેશ રાહુલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી પરંતુ હાર્દિક પણ 25 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્યારે ભારતનો સ્કોર 83 રનમાં પાંચ વિકેટ થઈ ગયો હતો.
લોકેશ રાહુલની લાજવાબ અડધી સદી, જાડેજાએ આપ્યો મજબૂત સાથ
ભારતીય ટીમ સંકટમાં મૂકાઈ ગઈ હતી ત્યારે લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તેને સામે છેડે રવિન્દ્ર જાડેજાએ સાથ આપ્યો હતો. લોકેશ રાહુલે મક્કમતાપૂર્વક બેટિંગ કરી હતી. તેણે સહેજ પણ ખોટા શોટ રમ્યા વગર એકદમ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. લોકેશ રાહુલ અને જાડેજાની જોડીએ 108 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. રાહુલે 91 બોલનો સામનો કરતા સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 75 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે જાડેજાએ 69 બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ 45 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે ત્રણ તથા માર્ક્સ સ્ટોઈનિસે બે વિકેટ ઝડપી હતી.
મિચેલ માર્શની અડધી સદી, છતાં ભારતીય બોલર્સ છવાયા
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને બીજી જ ઓવરમાં ફટકો પડ્યો હતો. મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને અંગત પાંચ રને આઉટ કર્યો હતો. જોકે, બાદમાં ઓપનર મિચેલ માર્શ અને કેપ્ટન સ્ટિવ સ્મિથે બાજી સંભાળી હતી. માર્શે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ જોડીએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. અંતે કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્મિથને આઉટ કરીને આ જોડી તોડી હતી. સ્મિથે 30 બોલમાં ચાર ચોગ્ગા સાથે 22 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ લાબુશેન 14 રન નોંધાવીને આઉટ થયો હતો.
મિડલ ઓર્ડરમાં મોહમ્મદ શમીએ તરખાટ મચાવ્યો હતો. તેણે જોશ ઈંગલિસને 26 અને કેમેરોન ગ્રીનને 12 રને બોલ્ડ કર્યા હતા. જ્યારે માર્શે પોતાની અડધી સદી પૂરી કરી હતી. માર્શે 65 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 81 રન ફટકાર્યા હતા. લોઅર ઓર્ડરના ઓસ્ટ્રેલિયન બેટર્સ પણ નિષ્ફળ રહ્યા હતા. ગ્લેન મેક્સવેલ 8 અને માર્ક્સ સ્ટોઈનિસ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ભારત માટે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બે તથા હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી. આ મેચમાં નિયમિત સુકાની રોહિત શર્મા ગેરહાજર હોવાના કારણે હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમની કેપ્ટનસી સંભાળી છે.