ત્યારબાદ ટીમ ઈન્ડિયા ડિસેમ્બરના અંતમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે ત્યારે પણ શુભમન ગિલની દાવેદારી મજબૂત રહેશે. એટલે કે એકંદરે અમદાવાદમાં ગિલની બીજી ટેસ્ટ સદીએ તેને હવે દરેક ફોર્મેટનો સંપૂર્ણ ખેલાડી બનાવી દીધો છે. ભારતીય ક્રિકેટમાં બેટ્સમેનોમાં કોહલી અને રોહિત પછી રાહુલ એકમાત્ર એવો ખેલાડી હતો કે જેનું ત્રણેય ફોર્મેટમાં રમવાનું થોડા મહિના પહેલા જ કન્ફર્મ થઈ ગયું હતું, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બીજી તરફ લોકેશ રાહુલ માટે ટેસ્ટ ટીમમાં પરત ફરવું કપરા ચઢાણ સાબિત થશે.
વન-ડે ક્રિકેટમાં શુભમન ગિલની રમતની સરખામણી કરીએ તો 21 મેચમાં તેની એવરેજ 74ની આસપાસ છે જે રમતના ઈતિહાસમાં આજ સુધી કોઈ ખેલાડીએ આટલી મેચો પછી આટલી અસાધારણ એવરેજ રાખી ન હતી. સફેદ બોલના અન્ય ફોર્મેટમાં પણ તેની એવરેજ અને સ્ટ્રાઈક રેટ અદ્દભુત છે. શુભમન ગિલ ભલે ફક્ત 6 ટી20 મેચ રમ્યો હોય પરંતુ તેની એવરેજ 40થી વધુ છે અને સ્ટ્રાઈક રેટ 165ની નજીક છે. એટલે કે આ આંકડાઓ સાબિત કરે છે કે ગિલમાં એટલી ક્ષમતા છે કે તે દરેક ફોર્મેટના સંદર્ભમાં તેની બેટિંગના ગિયરને બદલી શકે છે.
તો પછી ટેસ્ટ ક્રિકેટમાં ગિલ સાથે શું થયું હતું? ગિલ ભલે તેની પ્રથમ 8 ઈનિંગ્સમાં સદી ફટકારી શક્યો ન હોય, પરંતુ બ્રિસ્બેનમાં તેની 91 રનની ઈનિંગ્સને તેની અત્યાર સુધીની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ્સ કહેવામાં આવે છે. પરંતુ આ પછી આગામી 14 ઈનિંગ્સમાં ગિલના બેટમાંથી માત્ર એક જ અડધી સદી નીકળી હતી. તે ટીમની અંદર અને બહાર થતો રહ્યો. છેલ્લે ગયા વર્ષે બાંગ્લાદેશ પ્રવાસ પર શુભમન ગિલને કમબેક કરવાની તક મળી હતી અને તેણે ચિત્તાગોંગમાં સદી ફટકારી હતી.
આમ શાનદાર પ્રદર્શન બાદ પણ ગિલને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તક મળી ન હતી. પરંતુ લોકેશ રાહુલની નિષ્ફળતાએ તેને ફરીથી કમબેકની તક આપી. હવે ગિલની 6 ઈનિંગ્સમાં બે ટેસ્ટ સદી છે અને આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ તબક્કો છે. તે જે ફોર્મેટમાં ઓપનિંગ કરી રહ્યો છે તેમાં તે સદી ફટકારી રહ્યો છે. જો ગિલ આમ જ પ્રદર્શન કરતો રહેશે તો આ વર્ષના અંત સુધીમાં તેનો દાવો ભાવિ સુકાનીઓમાં થઈ જશે તો તેમાં જરાય નવાઈ નહીં લાગે.