ખ્વાજા બેવડી સદી ચૂક્યો, કેમેરોન ગ્રીનની સદી
ઓસ્ટ્રેલિયાએ અમદાવાદ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉસ્માન ખ્વાજા અને કેમેરોન ગ્રીનની જોડીએ ભારતીય બોલર્સને હંફાવ્યા હતા અને જંગી સ્કોર ખડક્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ગુરૂવારે પ્રથમ દિવસની અંતિમ ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે બીજા દિવસે પણ તેણે પોતાની શાનદાર બેટિંગ જારી રાખી હતી. તેણે ગ્રીન સાથે મળીને 208 રનની જંગી ભાગીદારી નોંધાવી હતી. ગ્રીને પણ શાનદાર બેટિંગ કરી હતી અને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 170 બોલમાં 18 ચોગ્ગાની મદદથી 114 રનની ઈનિંગ્સ રમી હતી.
378 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાએ ગ્રીનની વિકેટ ગુમાવી હતી. અશ્વિને ગ્રીનને આઉટ કરીને મહત્વની ભાગીદારી તોડી હતી. ગ્રીન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાએ ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. વિકેટકીપર એલેક્સ કેરી ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે મિચેલ સ્ટાર્ક છ રન જ નોંધાવી શક્યો હતો. ઉસ્માન ખ્વાજા પોતાની બેવડી સદીથી 20 રન દૂર હતો ત્યારે અક્ષર પટેલે તેને આઉટ કર્યો હતો. ખ્વાજાએ 422 બોલનો સામનો કરતા 21 ચોગ્ગાની મદદથી 180 રન ફટકાર્યા હતા. જોકે, નાથન લાયન અને ટોડ મર્ફીએ ઉપયોગી રન નોંધાવ્યા હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયા વધુ મોટો સ્કોર નોંધાવી શક્યું હતું. લાયને 34 અને મર્ફીએ 41 રન ફટકાર્યા હતા.
રવિચંદ્રન અશ્વિનની છ વિકેટ
ભારત માટે રવિચંદ્રન અશ્વિને છ વિકેટ ઝડપી હતી. આ સાથે તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સની યાદીમાં નાથન લાયન બાદ બીજા ક્રમે આવી ગયો છે. અશ્વિને 47.2 ઓવરમાં 15 મેડન કરી હતી. તેણે 91 રન આપીને છ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ બે વિકેટ પોતાના નામે કરી હતી. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી. ઉમેશ યાદવે 25 ઓવર કરી હતી જેમાં તેણે 105 રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો.