જાડેજાનું પ્રભાવશાળી પ્રદર્શન, ઉસ્માન ખ્વાજાની અડધી સદી
ભારતનો પ્રથમ દાવમાં 109 રનમાં ઓલ-આઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં મક્કમ શરૂઆત કરી હતી. જોકે, ઓપનર ટ્રેવિસ હેડ નવ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ઓપનર ઉસ્માન ખ્વાજાએ માર્નસ લાબુશેન સાથે મળીને બાજી સંભાળી હતી. આ જોડીએ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન બોલિંગનો મક્કમતાથી સામનો કર્યો હતો અને 96 રનની ભાગીદારી નોંધાવી હતી. અંતે જાડેજાએ લાબુશેનને બોલ્ડ કરીને ટીમને મહત્વની સફળતા અપાવી હતી. લાબુશેને 31 રન નોંધાવ્યા હતા. જ્યારે દિવસનો અંત નજીક હતો તે પહેલા જાડેજા વધુ એક વખત ત્રાટક્યો હતો અને તેણે સેટ થઈ ગયેલા બેટર અને કાર્યકારી કેપ્ટન સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. તેણે 26 રન નોંધાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. તેણે 147 બોલનો સામનો કરતાં ચાર ચોગ્ગાની મદદથી 60 રન ફટકાર્યા હતા. ભારત માટે જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.
સ્પિનર કુહનેમનનો તરખાટ, ટીમ ઈન્ડિયાનો ધબડકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન સ્પિન બોલિંગનો સામનો કરવામાં ઉણી ઉતરી હતી. આ મેચમાં ઓપનર લોકેશ રાહુલને પડતો મૂકવામાં આવ્યો હતો. તેના સ્થાને શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, શુભમન ગિલ પણ પ્રભાવશાળી રહ્યો ન હતો. ભારતે 27 રનના સ્કોર પર રોહિત શર્માની વિકટે ગુમાવી હતી. તેણે 12 રન નોંધાવ્યા હતા. જ્યારે ચેતેશ્વર પૂજારા એક રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલે 21 રન ફટકાર્યા હતા. કુહનેમન અને લાયને ભારતીય ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો.
45 રનમાં તો ભારતે પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી. ભારતે રવિન્દ્ર જાડેજાને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો. જાડેજા ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે શ્રેયસ ઐય્યર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ નોંધાવ્યા હતા. કોહલી 22 રન નોંધાવીને આઉટ થયો હતો. વિકેટકીપર શ્રીકર ભરતે 17, અક્ષર પટેલે અણનમ 12 રન, અશ્વિને ત્રણ તથા ઉમેશ યાદવે 17 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે કુહનેમને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે નાથન લાયને ત્રણ અને મર્ફીએ એક વિકેટ ઝડપી હતી.