બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 90 મિનિટનીરમતમાં ફક્ત 52 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને તેમાં બાપુ તરીકે ઓળખાતા 34 વર્ષીય જાડેજાનો ફાળો ઘણો મહત્વનો રહ્યો હતો. જાડેજાએ ટેસ્ટમાં કુલ પાંચમી વખત એક દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયન બેટર્સ પર કહેર વર્તાવ્યો હતો. બીજા દાવમાં જાડેજા અને અશ્વિને મળીને કુલ 10 વિકેટ ઝડપી હતી. આ બંનેની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન ટીમ પત્તાના મહેનની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 74 બોલમાં 28 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનું શ્રેષ્ઠ પ્રદર્શન
દિલ્હીમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે 42 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ તેણે 2016માં ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે 48 રનમાં સાત વિકેટ ઝડપી હતી. જ્યારે 2017માં બેંગલુરૂમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે 63 રનમાં છ વિકેટ ઝડપી હતી. 2013માં તેણે ડરબનમાં સાઉથ આફ્રિકા સામે 138 રન આપીને છ વિકેટ પોતાના નામે કરી હતી.
બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટ નોંધાવ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ બીજા જ દિવસથી રોમાંચક બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 263 રનમાં સમેટાઈ ગયો હતો. જેમાં ઓપનર ઉસ્માન ખ્વાજાએ 81 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે પીટર હેન્ડસ્કોબ 72 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. ભારત માટે મોહમ્મદ શમીએ ચાર તથા અશ્વિન અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે, સ્પિનર નાથન લાયનની ઘાતક બોલિંગ સાથે ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને ભારતનો પ્રથમ દાવ 262 રનમાં સમેટી લીધો હતો. ભારત માટે અક્ષર પટેલે 74 અને કોહલીએ 44 રન નોંધાવ્યા હતા. જ્યારે નાથન લાયને પાંચ વિકેટ ઝડપી હતી.
બીજા દાવમાં રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા માટે કાળ બન્યો હતો. તેણે 42 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ 113 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર હેડે 43 અને લાબુશેને 35 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એક પણ બેટર બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો ન હતો. જોકે, ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં પણ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો અને 115 રનના ટાર્ગેટ સામે ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું. પરંતુ ચેતેશ્વર પૂજારાની ધીરજ પૂર્વકની બેટિંગ તથા કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર શ્રીકર ભરતની આક્રમક બેટિંગથી ભારતે છ વિકેટ વિજય નોંધાવ્યો હતો. ભારત માટે પૂજારાએ અણનમ 31 તથા ભરતે 22 બોલમાં અણનમ 23 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માએ 21 તથા વિરાટ કોહલીએ 20 રનની ઈનિંગ્સ રમી હતી.