ઈશાન કિશન આ મેચની પ્લેઈનિંગ ઈલેવનનો ભાગ ન હતો, પરંતુ ટીમની ધાંસૂ જીત પછી ઘણો ડાન્સ કરતો જોવા મળ્યો. કિશને બાંગ્લાદેશ સામે વન-ડે સીરિઝની છેલ્લી મેચમાં રેકોર્ડ બેવડી સદી ફટકરી હતી. તે પછી આશા હતી કે, તેને શ્રીલંકા સામે વન-ડે સીરિઝમાં તક મળશે, પરંતુ રોહિત શર્માએ તેના બદલે શુભમન ગિલ પર ભરોસો બતાવ્યો હતો અને ઓપનિંગ માટે પસંદ કર્યો. ગિલે પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે બીજી વન-ડેમાં 21 રન બનાવ્યા હતા.
આ મેચમાં શ્રીલંકાની ટીમે પહેલી બેટિંગ કરતા 39.4 ઓવરમાં બધી વિકેટ ગુમાવી 215 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 6 વિકેટ ગુમાવી 219 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં કુલદીપ યાદવ અને સિરાજએ સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે કે એલ રાહુલએ બેટિંગમાં કમાલ બતાવી હતી. નાજુક સમયે રાહુલે જોરદાર બેટિંગ કરી અને અણનમ 64 રનની ઈનિંગ્સ રમતા ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ભારતે સતત બે મેચ જીતી સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચમાં શ્રીલંકાને ક્લીન સ્વિપ કરવાનો ભારત પૂરતો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ગુવાહાટીમાં શાનદાર સદી ફટકારી હતી, પરંતુ કોલકાતામાં તે માત્ર ચાર રન બનાવી આઉટ થઈ ગયો હતો.