રોહિત શર્મા અને શુભમન ગિલે અપાવી શાનદાર શરૂઆત
શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં ટીમનો ભાગ ન હતો પરંતુ વન-ડે સીરિઝ દ્વારા તેણે કમબેક કર્યું છે. રોહિત અને શુભન ગિલે પ્રથમ વિકેટ માટે 19.4 ઓવરમાં 143 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંને બેટર્સે અડધી સદી ફટકારી હતી. શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ શુભમન ગિલને આઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ગિલે 60 બોલમાં 11 બાઉન્ડ્રીની મદદથી 70 રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્મા 83 રન નોંધાવીને આઉટ થયો હતો. તેમે 67 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી.
વિરાટ કોહલીની આક્રમક સદી
રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવ્યા બાદ વિરાટ કોહલીનો જલવો જોવા મળ્યો હતો. કોહલીને પહેલા શ્રેયસ ઐય્યર અને બાદમાં લોકેશ રાહુલનો મહત્વનો સહકાર મળ્યો હતો. શ્રેયસ ઐય્યર 24 બોલમાં 28 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. ત્યારબાદ લોકેશ રાહુલે 39 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલે 29 બોલમાં ચાર ચોગ્ગા અને એ સિક્સર ફટકારી હતી. જોકે, વિરાટ કોહલીની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. કોહલીએ પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ આક્રમક અંદાજબમાં બેટિંગ કરી હતી. કોહલીએ 87 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 113 રનની ઈનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ 14 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે કાસુન રજીતાએ ત્રણ તથા દિલશાન મધુશનાકા, ચમિકા કરૂણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડી સિલ્વાએ એક-એક વિકેટ ઝડપી હતી.
કેપ્ટન શનાકાની અણનમ સદી, શ્રીલંકાનો પરાજય
374 રનના લક્ષ્યાંકના જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનના સ્કોર પર ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અવિષ્કા ફર્નાન્ડો પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કુસલ મેન્ડિસ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે, ઓપનર પથુમ નિશંકાએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 80 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 72 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ચરિત અસાલંકાએ 23 રનનું યોગદાન આપ્યું હતું.
જોકે, કેપ્ટન દાસુન શનાકાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે અંતિમ ઓવર સુધી લડત આપી હતી. ટી20 સીરિઝમાં શાનદાર ફોર્મમાં રમેલા શનાકાએ વન-ડેમાં પણ પોતાનું ફોર્મ જારી રાખ્યું છે. તેણે લડત આપી હતી અને અણનમ સદી ફટકારી હતી. જોકે, તેની સદી એળે ગઈ હતી અને શ્રીલંકાનો પરાજય થયો હતો. શનાકાએ 88 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 108 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ધનંજય ડી સિલ્વાએ 47 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ઉમરાન મલિકે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે બે તથા મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.