આ ત્રણેય ખેલાડીઓની બાદબાકીથી મજબૂત સંકેત મળી રહ્યા છે કે તેઓ આગામી ટી20 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી ટી20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવાન ટીમ તૈયાર કરવા ઈચ્છે છે. આગામી ટી20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. શ્રીલંકા સામે ટી20 સીરિઝ બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચની સીરિઝ શરૂ થશે. આ મેચની પૂર્વસંધ્યાએ ભારતીય સુકાની રોહિત શર્માએ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
રોહિત શર્માએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો સળંગ મેચો રમવી શક્ય નથી. તમારે ત્રણેય ફોર્મેટમાં રમતા હોય તેવા ખેલાડીઓને આરામ આપવો જોઈએ. અમારે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી20 મેચ રમવાની છે. આઈપીએલ બાદ શું થશે તે અમે જોઈશું. મેં હજી સુધી ટી20 ફોર્મેટ છોડવાનું નક્કી કર્યું નથી. રોહિત શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વખતે તેના માટે વન-ડે પ્રાથમિકતા રહેશે. તેણે કહ્યું હતું કે આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે તેથી તે અમારી પ્રાથમિકતા છે. તેથી કેટલાક ખેલાડીઓ માટે બધા ફોર્મેટમાં રમવું શક્ય નથી.
તારા પછી વન-ડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે તું કોને જુએ છે તે અંગે પૂછતા રોહિતે કહ્યું હતું કે અત્યારે તો કહેવું મુશ્કેલ છે. અત્યારે તમામ લોકોનું ધ્યાન વન-ડે વર્લ્ડ કપ પર છે. આ ઉપરાંત અમારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચો પણ રમવાની છે. આ માટે તમારે થોભો અને રાહ જોવી પડશે. નોંધનીય છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ શ્રીલંકા સામેની વન-ડે સીરિઝમાં રમવાના છે.