સૂર્યકુમાર યાદવની તોફાની સદી
ત્રીજી અને નિર્ણાયક ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઈશાન કિશન એક રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ 49 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમાં પણ રાહુલ ત્રિપાઠીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 35 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શુભમન ગિલ ચાર રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતચો. શુભમન ગિલે બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 46 રનની ઈનિંગ્સ રમી હતી.
જોકે, ભારતીય બેટિંગનું મુખ્ય આકર્ષણ સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ રહી હતી. હાલમાં ટી20 ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાવદે શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. શ્રીલંકન બોલર્સ તેના પર નિયંત્રણ રાખી શક્યા ન હતા. તેણે તોફાની બેટિંગ કરીને પોતાની સદી પણ પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને નવ સિક્સર સામેલ હતી. જયારે અક્ષર પટેલે નવ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 21 રન ફટકાર્યા હતા. શ્રીલંકા માટે દિલશાન મધુશંકાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે રજીથા, તીક્ષના અને વાનિન્દુ હસારંગાએ એક-એક વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલર્સ સામે ના ટકી શક્યા શ્રીલંકન બેટર્સ
શ્રીલંકા સામે 229 રનનો જંગી લક્ષ્યાંક હતો પરંતુ શ્રીલંકન ટીમ એક પણ વખત પડકાર આપી શકી ન હતી. શ્રીલંકાનો કોઈ બેટર ટકી શક્યો ન હતો. પાથુમ નિસાંકા અને કુશલ મેન્ડિસની જોડી ઓપનિંગમાં આવી હતી પરંતુ તેઓ સારી શરૂઆત કરી શક્યા ન હતા. નિસંકા 15 અને કુશલ મેન્ડિસ 23 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ આવિષ્કા ફર્નાન્ડો એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતીય બોલર્સના તરખાટ સામે શ્રીલંકાની વિકેટો નિયમિત અંતરે પડી રહી હતી જેના કારણે ટીમને 91 રનના જંગી અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મિડલ ઓર્ડરમાં ધનંજય ડીસિલ્વાએ 22, ચરિથ અસાલંકાએ 19 અને સુકાની દાસુન શનાકાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ લોઅર ઓર્ડરના બેટર્સ બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યા ન હતા. વાનિન્દુ હસારંગા નવ, ચમિકા કરૂણારત્ને શૂન્ય, મહીશ તીક્ષના બે તથા દિલશાન મધુશંકાએ એક રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કાસુન રજીતા નવ રને અણનમ રહ્યો હતો. ભારત માટે અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલે બે-બે તથા અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.