શિવમ માવિ અને હર્ષલ પટેલની શાનદાર બોલિંગ
163 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી શ્રીલંકન ટીમ માટે પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસની જોડી ઓપનિંગમાં આવી હતી. આ જોડી સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહી હતી. શિવમ માવિ અને હર્ષલ પટેલની ભારતીય બોલિંગ જોડીએ શ્રીલંકાના ટોપ ઓર્ડરને વધારે રન કરવા દીધા ન હતા. નિસાંકા એક રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ધનંજય ડી સિલ્વા આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કુસલ મેન્ડિસે 25 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 28 રન ફટકાર્યા હતા. જ્યારે ચરિત અસાલંકા અને ભાનુકા રાજપક્સા પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે અનુક્રમે 12 અને 10 રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન દાસુન શનાકાની તોફાની બેટિંગ એળે ગઈ
શ્રીલંકાએ 68 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં કેપ્ટન દાસુન શનાકા અને વાનિન્દુ હસારંગાની જોડીએ ભારતીય બોલર્સને પડકાર આપ્યો હતો. બંનેએ તોફાની બેટિંગ કરીને ભારતીય ટીમની ચિંતાઓ વધારી દીધી હતી. જોકે, મહત્વના સમયે ભારતીય બોલર્સ આ બંને બેટર્સને આઉટ કરવામાં સફળ રહ્યા હતા. જેના કારણે ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી. શનાકાએ 27 બોલમાં 45 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. જ્યારે હસારંગાએ 10 બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 21 રન ફટકાર્યા હતા. શનાકા આઉટ થયા બાદ ભારત આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ચમિકા કરૂણારત્નેએ ભારતીય બોલર્સના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. અંતિમ ઓવરમાં શ્રીલંકાને 13 રનની જરૂર હતી પરંતુ અક્ષર પટેલે ભારતની બાજી સંભાળી લીધી હતી. કરૂણારત્નેએ 16 બોલમાં બે સિક્સર સાથે અણનમ 23 રન નોંધાવ્યા હતા. ભારત માટે શિવમ માવીએ ચાર તથા ઉમરાન મલિક અને હર્ષલ પટેલે બે-બે વિકેટ ઝડપી હતી.
ઈશાન કિશન સિવાય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો
શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારત માટે ઈશાન કિશન અને શુભમન ગિલની જોડીએ ઓપનિંગ કર્યું હતું. જોકે, ઈશાન કિશનને બાદ કરતા ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. શુભમન ગિલ સાત રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ટી20નો નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ પણ સાત રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે સંજૂ સેમસન પણ પાંચ રન નોંધાવી શક્યો હતો. ભારતે 46 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ઈશાન કિશને 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 37 રન ફટકાર્યા હતા.
દીપક હૂડાએ કરી તાબડતોબ બેટિંગ
ભારતીય બેટિંગનું આકર્ષણ દીપક હૂડાની તાબડતોબ બેટિંગ રહી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન ફટકાર્યા હતા. દીપક હૂડા ઉપરાંત અંતિમ ઓવર્સમાં અક્ષર પટેલે પણ આક્રમક બેટિંગ કરી હતી. આ જોડીએ 68 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી ભારત પડકારજનક સ્કોર નોંધાવી શક્યું હતું. દીપક હૂડાએ 23 બોલમાં એક ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 41 રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર પટેલ 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 31 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકા માટે દિલશાન મદુશનાકા, થીક્ષના, કરૂણારત્ને, ધનંજય ડી સિલ્વા અને હસારંગાએ એક-એક વિકેટ ઝડપી હતી.