રોહિત શર્મા પરત આવી ચૂક્યો છે ભારત
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન તેના ડાબા અંગૂઠામાં થયેલી ઈજા માટે મુંબઈમાં નિષ્ણાતની મુલાકાત લીધી હતી. તેને ઈજા માટે સારવારની સલાહ આપવામાં આવી છે અને તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.
નિવેદમાં વધુમાં જણાવાયું હતું કે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ માટે તેની ઉપલબ્ધતા બીસીસીઆઈની મેડિકલ ટીમ પછીથી નક્કી કરશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ પ્રથમ ટેસ્ટ માટેની ટીમમાં અભિમન્યુ ઈશ્વરનને સ્થાન આપ્યું છે.
જાડેજા અને શમી પણ આઉટ
ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ઝડપી બોલર નવદીપ સૈની અને નવોદિત સૌરભ કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તેણે 12 વર્ષ પહેલા 2010માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી ટીમમાં તક મળી નથી.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઈશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.