47 વર્ષીય પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સીરિઝ દરમિયાન સેવન નેટવર્કની કોમેન્ટ્રી ટીમનો ભાગ છે. તેણે સાથી કોમેન્ટેટર્સને કહ્યું હતું કે તેને સારું છે પરંતુ સાવચેતીના ભાગ રૂપે તે હોસ્પિટલ ગયો હતો. બ્રોડકાસ્ટર ચેનલ7ના પ્રવક્તાએ ઓસ્ટ્રેલિયન મીડિયાને આપેલા એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, રિકી પોન્ટિંગની તબીયત ખરાબ હોવાના કારણે તે આજના દિવસની બાકી રહેલી કોમેન્ટ્રીનો ભાગ રહેશે નહીં. રિકી પોન્ટિંગ શનિવારે અથવા તો ટેસ્ટમાં બાકી રહેલા દિવસોમાં કોમેન્ટ્રી આપવા આવશે કે નહીં તે હજી જાણી શકાયું નથી.
સૌથી સફળ સુકાનીઓમાં સામેલ છે રિકી પોન્ટિંગ
રિકી પોન્ટિંગે 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા માટે 168 ટેસ્ટ મેચ રમી હતી અને તેની ગણના વિશ્વના સૌથી સફળ સુકાનીઓમાં થાય છે. તેની કેપ્ટનસીમાં ઓસ્ટ્રેલિયાએ 77 ટેસ્ટ મેચ રમી હતી જેમાંથી 48માં ટીમનો વિજય થયો હતો. તેણે ટેસ્ટમાં 51.85ની એવરેજથી 13,378 રન નોંધાવ્યા હતા જેમાં 41 સદી અને 62 અડધી સદી સામેલ છે.
પોતાની કેપ્ટનસીમાં બે વખત ઓસ્ટ્રેલિયાને બનાવ્યું છે ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયાએ તેની આગેવાનીમાં બે વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે. પોન્ટિંગની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા 2003 અને 2007માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. વન-ડેમાં પણ પોન્ટિંગ સફળ બેટર રહ્યો છે. તેણે 375 વન-ડેમાં 42.03ની એવરેજથી 13,704 રન નોંધાવ્યા હતા. જેમાં 30 સદી અને 82 અડધી સદી સામેલ છે. આ ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયા માટે 17 ટી20 મેચ રમી હતી જેમાં તેણે 28.64ની સરેરાશથી 401 રન નોંધાવ્યા હતા જેમાં બે અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયન ટીમ 1999, 2003 અને 2007માં સળંગ ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને પોન્ટિંગ આ ત્રણેય ટીમનો ભાગ રહ્યો હતો.
આ વર્ષે હાર્ટ એટેકના કારણે ઓસ્ટ્રેલિયાએ બે લિજેન્ડ ગુમાવ્યા
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટીમનો મુખ્ય કોચ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લો કેટલોક સમય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ઘણો ભારે રહ્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાના બે મહાન ખેલાડીઓનું નિધન થયું છે. માર્ચ મહિનામાં રોડ માર્શ અને સ્પિન લિજેન્ડ શેન વોર્નનું નિધન થયું હતું. આ બંને ખેલાડીઓ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2020માં ડીન જોન્સનું પણ નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું.