સૌરાષ્ટ્રના ઝડપી બોલર ચિરાગ જાનીએ 43 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મહારાષ્ટ્રના લોઅર ઓર્ડરના બેટર્સ સામે તરખાટ મચાવતા ચિરાગે હેટ્રિક ઝડપી હતી અને મહારાષ્ટ્રની ટીમને 250 રનની અંદર મર્યાદિત રાખી હતી. સૌરાષ્ટ્રએ 46.3 ઓવરમાં 249 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને મેચ અને ટ્રોફી જીતી લીધા હતા. જેક્સને 136 બોલની ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે 12 ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી.
મેચ બાદ ગાયકવાડે જણાવ્યું હતું કે મારા મતે ટોસે મહત્વની ભૂમિકા ભજવી હતી. 30-40 ઓવર બાદ અમે આગળ હતા. પ્રથમ બેટિંગ કરતા 250 રનનો સ્કોર સારો હતો. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને મહારાષ્ટ્રને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જયદેવ ઉનડકટે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને પોતાના પ્રથમ સ્પેલમાં છ ઓવરમાં એક ઓવર મેડન કરી હતી અને ફક્ત પાંચ જ રન આપ્યા હતા.
ઉનડકટે જણાવ્યું હતું કે અમારા માટે આ અવિશ્વસનીય છે. એક વખત જીતવું શાનદાર છે પરંતુ બીજી વખત ટ્રોફી જીતીને અમે સાબિત કરી દીધું છે કે અમે ચેમ્પિયન ટીમ છીએ. મોટી મેચમાં સ્ટાર ખેલાડીઓએ જવાબદારી લીધી. સૌરાષ્ટ્ર માટે પ્રથમ 10 ઓવરમાં ઉનડકટ બોલિંગ હીરો રહ્યો હતો. મેચમાં તેણે 41 ડોટ બોલ કર્યા હતા અને 25 રન આપીને એક વિકેટ ખેરવી હતી. ચિરા જાનીએ 48મી ઓવરમાં સૌરભ નવાલે, રાજ્યવર્ધન હગાર્ગેકર અને વિકી ઓસ્ટવાલની વિકેટ ઝડપીને હેટ્રિક લીધી હતી.