ચેન્નઈ સુપર કિંગ્સે જારી કરેલા નિવેદનમાં બ્રાવોએ કહ્યું હતું કે, હું આ નવી જર્ની અંગે ઘણો જ આતુર છું કારણ કે હું મારી રમતના દિવસો સંપૂર્ણ પણે પૂરા થઈ ગયા બાદ આ કામ કરવા ઈચ્છું છું. મને બોલર્સ સાથે કામ કરવાનો આનંદ આવે છે અને હું આ નવી ભૂમિકા માટે ઘણો જ રોમાંચિત છું. એક ખેલાડીથી કોચ બનવા સુધી, મને નથી લાગતું કે મારે કંઈ વધારે એડજસ્ટ કરવાની જરૂર છે કારણ કે જ્યારે હું રમતો હતો ત્યારે પણ હું બોલર્સ સાથે કામ કરતો હતો અને તેમની સાથે મળીને રણનીતિ બનાવતો કે કેવી રીતે બેટર્સથી એક ડગલું આગળ રહેવું જોઈએ. ફરક માત્ર એટલે રહેશે કે હું મિડ-ઓન અથવા તો મિડ-ઓફ પર ઊભો નહીં હોવ.
બ્રાવોએ કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આઈપીએલના ઈતિહાસનો સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બનીશ. પરંતુ હું આઈપીએલ ઈતિહાસનો ભાગ બનીને ખુશ છું. નોંધનીય છે કે બ્રાવોએ 161 મેચમાં 183 વિકેટ ઝડપી છે અને તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. આ ઉપરાંત તેણે 130ની સ્ટ્રાઈક રેટ સાથે 1560 રન નોંધાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના ઘણા વિજયમાં બ્રાવોનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે.
બ્રાવોના માર્ગદર્શનમાં ચેન્નઈનું બોલિંગ આક્રમણ મજબૂત બનશેઃ CEO
ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું હતું કે, આઈપીએલમાં અદ્દભુત કારકિર્દી માટે અભિનંદન. તે એક દાયકાથી પણ વધારે સમયથી ચેન્નઈ સુપર કિંગ્સ પરિવારનો મહત્વનો સભ્ય છે. અમે તેની સાથે અમારું જોડાણ ચાલું રાખવા માટે આતુર છીએ. બ્રાવોનો અનુભવ અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ઘણો મૂલ્યવાન રહેશે. અમને વિશ્વાસ છે કે બ્રાવોના માર્ગદર્શનમાં અમારું બોલિંગ આક્રમણ મજબૂત બનશે.
2011થી ચેન્નઈ સુપર કિંગ્સનો મહત્વનો ખેલાડી રહ્યો છે
2008માં આઈપીએલનો પ્રારંભ થયો હતો અને બ્રાવો ત્યારથી પ્રત્યેક સિઝનમાં રમ્યો છે. ફક્ત 2017માં ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાં રમી શક્યો ન હતો. ત્યારે તે ગુજરાત લાયન્સ માટે રમતો હતો. 2008માં તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સાઈન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ત્રણ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો હતો. 2011માં ચેન્નઈ સુપર કિંગ્સે તેને ખરીદ્યો હતો. 2016 અને 2017માં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારે બ્રાવોને ગુજરાત લાયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે 2018માં ચેન્નઈ સુપર કિંગ્સે બ્રાવોને રિટેઈન કર્યો હતો.
બે વખત પર્પલ કેપ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો હતો
2011થી બ્રાવો ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો અત્યંત મહત્વનો ખેલાડી રહ્યો છે. તે 2011, 2018 અને 2021માં આઈપીએલ ચેમ્પિયન બનનારી ચેન્નઈ ટીમનો ભાગ રહ્યો હતો. આ ઉપરાંત 2014માં તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. બ્રાવો આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવા માટે આપવામાં આવતી પર્પલ કેપ બે વખત જીતનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે 2013 અને 2015માં પર્પલ કેપ જીતી હતી.