39મી ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 126 રન હતો. યજમાન ટીમ માત્ર 5.53 રનની સરેરાશથી રન બનાવી રહી હતી, પરંતુ રિક્વાયર્ડ રન રેટ 8.27 હતો. અહીંથી ન્યૂઝીલેન્ડે 11 ઓવરમાં 91 રન બનાવવાના હતા. કેપ્ટન શિખર ધવને 40મી ઓવર શાર્દુલ ઠાકુરને આપી અને આખી મેચ પલટાઈ ગઈ. શાર્દુલ ઠાકુરને પોતાને પણ આ ઓવર માટે પોતાની જાત પર શરમ આવતી હશે. 6,1w,4,4,1w,1 આ એ ઓવરના હાલ હતા. એટલે કે 6 દડાના બદલે 8 દડાની ઓવર અને તેમાં 25 રન. શાર્દુલ ઠાકુરે નવ ઓવરમાં 63 રન આપી દીધા.
વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમએ 104 બોલમાં અણનમ 145 રનની આક્રમક ઈનિંગ્સ રમી. કેપ્ટન કેન વિલિયમસને અણનમ 94 રન બનાવ્યા. ભારત માટે ડેબ્યુ કરનારા ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી.
હવે, ફેન્સ આ હાર માટે શાર્દુલ ઠાકુરને જવાબદાર કહી રહ્યા છે, કેમકે બોલિંગની સાથે-સાથે ફિલ્ડિંગમાં પણ તે સુસ્ત હતો. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શાર્દુલ ઠાકુરની આવી બોલિંગ પર જાત-ભાતના મીમ્સ બનાવીને શેર કરવામાં આવી રહ્યા છે.