India vs New Zealand 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચ ટાઈ રહી હતી. જેના કારણે હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે ત્રણ મેચની સીરિઝ 1-0થી જીતી લીધી હતી. સીરિઝની પ્રથમ મેચ પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમે 65 રનથી શાનદાર વિજય નોંધાવ્યો હતો.
હાઈલાઈટ્સ:
- નેપિયરમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું, ડકવર્થ લૂઈસ પ્રમાણે મેચ ટાઈ રહી
- ભારતે ત્રણ મેચની સીરિઝ 1-0થી જીતી લીધી, પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને બીજી ભારતે જીતી હતી
- ન્યૂઝીલેન્ડે ભારત સામે 161 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, ભારતે ચાર વિકેટે 75 રન નોંધાવ્યા હતા અને ત્યારે વરસાદ પડ્યો હતો
ડકવર્થ લૂઈસ નિયમ પ્રમાણે ટાઈ થઈ મેચ
ભારતીય ટીમ સામે 161 રનનો લક્ષ્યાંક હતો જેના જવાબમાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે ચાર વિકેટ 75 રન નોંધાવ્યા હતા. દીપક હૂડા 9 અને હાર્દિક પંડ્યા 30 રન નોંધાવીને રમતમાં હતા. ભારતને જીતવા માટે 66 બોલમાં 86 રનની જરૂર હતી. ત્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. જોકે, ત્યારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદના કારણે આગળની રમત શક્ય બની ન હતી. આ મેચ પણ વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી અને ટોસમાં પણ વિલંબ થયો હતો.
ન્યૂઝીલેન્ડે આપ્યો હતો 161 રનનો લક્ષ્યાંક
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઝડપી બોલર અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજની ચાર-ચાર વિકેટની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 19.4 ઓવરમાં 160 રનના સ્કોર પર ઓલ-આઉટ કરી દીધું હતું. ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માટે ડેવોન કોનવેએ 49 બોલમાં 59 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સે તોફાની અંદાજમાં બેટિંગ કરતા 33 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ બંનેએ બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, ત્યારબાદ યજમાન ટીમે ફક્ત 30 રનમાં જ પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ