ભારત અને યજમાન ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચમાં ભારતે સારી શરૂઆત કરી હતી અને પાંચ ઓવર સુધી કોઈ વિકેટ નહોંતી ગુમાવી. પરંતુ, પછી ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવા આવેલો રિષભ પંત છઠ્ઠી ઓવરના પહેલા દડે આઉટ થઈ ગયો હતો. પંતના આઉટ થયા પછી ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન અને સૂર્યકુમારે ઈનિંગ્સને સંભાળી હતી. જોકે, કિશન 36 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તે પછી સૂર્યકુમાર સાથે શ્રેયસ ઐયર જોડાયો હતો.
હિટ વિકેટ થયાની જાણ જ નહોંતી થઈ
શ્રૈયસ અય્યર કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 13 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જોકે, તે જે રીતે આઉટ થયો તે ટીમ ઈન્ડિયા માટે ચોંકાવનારું અને નિરાશ કરનારી બાબત હતી. તે ડી સ્ક્વેયર લેગ તરફ સિંગલ લેવાના પ્રયાસમાં ઘણો પાછળ જતો રહ્યો અને તેનો પગ સ્ટમ્પ્સને અડી ગયો. જોકે, અય્યરને તો એ વાતનો ખ્યાલ જ ન હતો અને તે રન લેવા દોડ્યો હતો. જોકે, અમ્પાયરે તેને જણાવ્યું કે, તે આઉટ થઈ ચૂક્યો છે.
અય્યરને પોતાના પર આવ્યો ગુસ્સો
આ રીતે આઉટ થયા પછી અય્યર પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે પોતાના પર ઘણો ગુસ્સે હોવાનું જણાઈ રહ્યો હતો. જોકે, તે જે રીતે આઉટ થયો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ સૂર્યકુમારે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા માત્ર 51 દડામાં 11 રન ફટકારી દીધા અને 2018માં રોહિત શર્મા પછી એક કેલેન્ડર વર્ષમાં બે ટી-20 સદી બનાવનારો માત્ર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. સૂર્યકુમારે પોતાની ઈનિંગ્સ દરમિયાન 217.65ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 7 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા.