સુકાની રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ત્રણ ટી20 મેચની સીરિઝનો પ્રારંભ થશે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ટી20 ક્રિકેટ માટે નવો કેપ્ટન હોવો કોઈ નુકસાનની વાત નથી. વર્તમાન સમયમાં જેટલું ક્રિકેટ રમાઈ રહ્યું છે તે જોતાં કોઈ એક ખેલાડી માટે ત્રણેય ફોર્મેટમાં રમવું સરળ હોતું નથી. જો રોહિત શર્મા ટેસ્ટ અને વન-ડે ટીમનો સુકાની છે, તો ટી20માં નવો સુકાની બનાવવો કોઈ ખોટી વાત નથી, અને જો તેનું નામ હાર્દિક પંડ્યા હોય તો ચોક્કસથી બનાવો.
ટી20 સીરિઝ માટે મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પણ આરામ આપવામાં આવ્યો છે. હાલમાં વીવીએસ લક્ષ્મણ કાર્યકારી મુખ્ય કોચ છે. લક્ષ્મણે જણાવ્યું હતું કે, વર્લ્ડ કપની નિષ્ફળતા બાદ નબળાઈઓ દૂર કરવા માટે નવા ટી20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને ઓળખી કાઢવામાં આવશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 સીરિઝમાં મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તેના બદલે શુભમન ગિલ, ઉમરાન મલિક, ઈશાન કિશન અને સંજૂ સેમસન જેવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે યુવાન ખેલાડીઓને તૈયાર કરવાની જરૂર છે અને ઈંગ્લેન્ડની વ્હાઈટ બોલ ટેમ્પલેટને અમલમાં મૂકવાની જરૂર છે જેના કારણે તે વન-ડે અને ટી20 વર્લ્ડ કપ જીતી શક્યું છે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભારતે પણ ઈંગ્લેન્ડના ટેમ્પલેટને અનુસરવું જોઈએ. 2015ના વર્લ્ડ કપ બાદ એક ટીમ છે જે ઘણી સફળ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રત્યેક ફોર્મેટ માટે શ્રેષ્ઠ હોય તેવા ખેલાડીઓને ઓળખી કાઢ્યા છે. ઈંગ્લેન્ડની ટીમે યુવાનોને તક આપી છે જેઓ નીડરતાથી રમી શકે અને રમતની પેર્ટનને સ્વીકારી શકે છે. આ ટેમ્પલેટ છે જેને સરળતાથી અનુસરી શકાય છે. ભારતીય ટીમ પાસે સંસાધનો મોટા પ્રમાણમાં છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસથી જ આવું શરૂ કરી શકાય છે. આ યુવાન ટીમ છે અને તમે તેમાંથી સારા ખેલાડીઓ પસંદ કરીને તેને તૈયાર કરી શકો છો.