તેણે લખ્યું હતું કે, પ્રત્યેક ખેલાડી જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા જાય છે, કહે છે કે તેનાથી તેની રમતમાં સુધારો થયો છે પરંતુ ભારતે તેનાથી શું હાંસલ કર્યું છે? 2011માં ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે શું કર્યું છે? કંઈ જ નહીં. ભારત વ્હાઈટ બોલમાં એવી જ જૂની શૈલીનું ક્રિકેટ રમી રહ્યું છે જે તેણે વર્ષોથી રમ્યું છે. આ સાથે વોને રિશભ પંતનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ પણ ભારતીય ટીમ મેનેજમેન્ટની ટીકા કરી હતી.
તેણે લખ્યુ હતું કે, ભારતીય ટીમે રિશભ પંત જેવા ખેલાડીનો ભરપૂર ઉપયોગ કર્યો નથી. વર્તમાન સમયમાં તેને ટોચ પર રાખવો જોઈએ. વોને જણાવ્યું હતું કે, હું તે વાતથી આશ્ચર્યમાં છું કે તેની પાસે જે પ્રતિભા છે, તેમ છતાં તે કેવું ટી20 ક્રિકેટ રમે છે. તેમની પાસે ખેલાડીઓ છે પરંતુ તેમને રમાડવા માટેની યોગ્ય પ્રક્રિયા નથી. તેમણે હરીફ બોલર્સને દબાણ બનાવવા માટે પ્રથમ પાંચ ઓવર કેવી રીત આપી દીધી? તેણે ટીમમાં ઓલ-રાઉન્ડરની ઉણપનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વોને કહ્યું હતું કે, તેની પાસે ફક્ત પાંચ જ બોલિંગ વિકલ્પ કેવી રીતે હોઈ શકે છે, જ્યારે 10-15 વર્ષ પહેલા ભારતના તમામ ટોચના બેટર્સ થોડી ઘણી બોલિંગ કરી શકતા હતા. સચિન તેંડુલકર, સુરેશ રૈના, વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી પણ બોલિંગ કરતો હતો. કોઈ પણ બેટર બોલિંગ નથી કરતો તેથી સુકાની પાસે ફક્ત પાંચ જ વિકલ્પ હતા. ટીમ મેનેજમેન્ટને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને નહીં રમાડવાનો નિર્ણય પણ ભારે પડ્યો છે.
માઈકલ વોને સવાલ પૂછતા કહ્યું હતું કે, ટી20 ક્રિકેટના આંકડાથી આપણે બધા જાણીએ છીએ કે ટીમને એક સ્પિનરની જરૂર હોય છે જે બંને રીતે ટર્ન કરાવી શકે. ભારતીય ટીમ પાસે લેગ સ્પિનર છે. તે ક્યાં છે? ઝડપી બોલિંગના આગેવાન જસપ્રિત બુમરાહ અને સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ભારતીય બોલર્સે ઘણું ખરાબ પ્રદર્શન કર્યું છે. વોને કેપ્ટન રોહિત શર્માની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.