હકકીતમાં, સુપર-12 રાઉન્ડની છેલ્લી લીગ મેચમાં ભારતની ટક્કર ઝિમ્બાબ્વે સામે હતી. આ મેચમાં રોહિતની સેનાએ એકતરફી જીત મેળવી હતી. ટોસ જીત્યા પછી રોહિત શર્મા પોતાની ટીમ અંગે જણાવી રહ્યો હતો. આખી દુનિયા તેને ટીવી પર જોઈ રહી હતી, પરંતુ હિટમેનની પાછળ રવિચંદ્રન અશ્વન જોવા મળ્યો, જે પોતાની અલગ જ મૂઝવણમાં હતો.
અશ્વિનના હાથમાં બે જેકેટ હતા, જેને તે ધારી-ધારીને જોઈ રહ્યો હતો. કંઈ સમજ ન પડતાં તે વારાફરતી બંનેને સૂંઘી રહ્યો હતો. પોતાની જેકેટ મળી જતા તે બીજું કપડું ત્યાં મેદાન પર છોડીને જતો રહે છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો જાત-ભાતના કેપ્શન લખીને અશ્વિનની મજાક ઉડાવી રહ્યા છે. કોઈ તેને જીનિયસ જણાવી રહ્યા છે, તો કોઈ ખાસ પ્રકારની ટેલેન્ટ ધરાવતી વ્યક્તિ. આ મેચમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. તેણે ઝિમ્બાબ્વેને 115 રનમાં સમેટવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 4 ઓવરમાં તેણે માત્ર 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે બર્લ, મટ્સકટ્ઝા અને નાગરવાને આઉટ કર્યા હતા.
ટીમ ઈન્ડિયા હવે પોતાના બીજા ખિતાબથી માત્ર બે જીત દૂર છે. 2007માં રમાયેલા પહેલા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા પછી મેન ઈન બ્લૂઝ ક્યારેય ફાઈનલ નથી જીતી શક્યા. 10 નવેમ્બરે એટલે કે ગુરુવારે રમાનારી બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર છે. તો, પહેલી સેમિફાઈનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 નવેમ્બરે રમાશે.