કેએલ રાહુલનો પાવરફુલ થ્રો
વરસાદના કારણે રમત લાંબા સમય સુધી રોકી દેવામાં આવી હતી. આ પછી જ્યારે મેચ શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લિટન દાસ ક્રિઝ પર હતો. પરંતુ રમત શરૂ થયા બાદ બીજા બોલ પર નજમુલ હુસેન શાંતો ડીપમાં રમ્યો હતો. બેટ્સમેનોને લાગતું હતું કે તેઓ સતત બે રન બનાવશે પરંતુ ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા કેએલ રાહુલે જોરદાર થ્રો માર્યો. તેનો બોલ નોન-સ્ટ્રાઈકરના છેડે સીધો વિકેટ સાથે અથડાયો. લિટન દાસ ક્રિઝથી દૂર હોવાથી પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
27 બોલમાં 60 રન
લિટન દાસ ભલે કેએલ રાહુલના થ્રો પર આઉટ થઈ ગયો હોય પરંતુ તેણે બેટથી પોતાનું કામ પાર પાડ્યું. આ મેચમાં બાંગ્લાદેશે સૌમ્યા સરકારને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. જેના કારણે ત્રીજા નંબર પર રમી રહેલા લિટન દાસને બેટિંગમાં ઓપનિંગ કરવાનો મોકો મળ્યો હતો. તેણે 27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા.
વરસાદને કારણે થોડીવાર બંધ કરવી પડી મેચ
7 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર વિના નુકશાન 66 રન હતો. એ પછી વરસાદ આવ્યો. આ સમય સુધીમાં બાંગ્લાદેશ ડકવર્થ લુઈસના નિયમ મુજબ 17 રન આગળ હતું. જ્યારે રમત બંધ થઈ ત્યારે બાંગ્લાદેશને આગામી 54 બોલમાં જીતવા માટે 85 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ લિટન દાસના આઉટ થતાં જ ટીમની ગાડી પાટા પરથી ઉતરતી ગઈ અને ભારતે છેલ્લી ઓવરમાં વિજય મેળવી લીધો.