ફેડરરની નિવૃત્તિ પર ભાવુક થયેલા નડાલને જોઈ વિરાટે શું કહ્યું?
વિરાટ કોહલીએ ભાવુક થયા ફેડરર અને નડાલની તસવીર શેર કરતાં લખ્યું, “કોણ વિચારી શકે હરીફોના મનમાં પણ એકબીજા માટે આટલી લાગણી હોઈ શકે. આ જ તો સ્પોર્ટ્સની સુંદરતા છે. મારા માટે આ સ્પોર્ટ્સની સૌથી સુંદર તસવીર છે. જ્યારે તમારા હરીફ તમારા માટે આંસુ સારે છે ત્યારે તમને સમજાય છે કે ઈશ્વરે આપેલા ટેલેન્ટ થકી તમે શું કરી શક્યા છો. આ બંને માટે માત્ર ને માત્ર માન છે.”
‘જીવનનો મહત્વનો ભાગ છૂટ્યો’
દરમિયાન, રફેલ નડાલે પણ કહ્યું કે, ફેડરરની નિવૃત્તિ સાથે તેના જીવનનો એક મહત્વનો ભાગ છૂટી ગયો છે. “અમારા સ્પોર્ટ્સના ઈતિહાસની આ અદ્ભૂત ક્ષણનો ભાગ હોવું મારા માટે ગર્વની બાબત છે. ઘણાં બધા વર્ષોમાં અમે સાથે ઘણું વહેંચ્યું છે. જ્યારે રોજર જઈ રહ્યો છે ત્યારે મારા જીવનનો એક ભાગ પણ તેની સાથે જઈ રહ્યો છે કારણકે તે મારી સામે હોય કે સાથે, તેની સાથેની દરેક ક્ષણ મારા માટે મહત્વની હતી. પરિવાર અને તમામ લોકોને ભાવુક થતાં જોઈ રહ્યો છે. આ લાગણી શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે પણ અદ્ભૂત ક્ષણ છે”,તેમ ઓન-કોર્ટ હરીફ ફેડરર માટે નડાલે જણાવ્યું.
20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલનો વિજેતા છે ફેડરર
ઉલ્લેખનીય છે કે, 103 ATP સિંગલ ટાઈટલ્સ અને કુલ 1,251 મેચો સાથે રોજર ફેડરરનું ઐતિહાસિક કરિયર સમાપ્ત થયું છે. 310 અઠવાડિયા સુધી ફેડરર એટીપી રેન્કિંગમાં ટોચ પર રહ્યો હતો. ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ્સનો વિજેતા છે.