વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ અને વન-ડે સીરિઝ માટે Ravindra Jadejaને ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયો છે. આ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પરિવાર સાથે સમય વિતાવવા બ્રેક અપાયો છે. થોડા સમય પહેલા જ જાડેજાએ પોતાના ફાર્મ હાઉસની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ઘોડા સાથે જોવા મળી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જાડેજા અગાઉ પણ ઘણી વખત મા આશાપુરાના દર્શન કરવા આવી ચૂક્યો છે. આશાપુરા માતા તેમના કુળદેવી છે. ગત વર્ષે પણ તે અહીં દર્શન કરવા આવ્યો હતો. 2015માં તે જામનગરથી માતાના મઢ સુધી પદયાત્રા પણ કરી હતી. લગભગ 375 કિમીની આ પદયાત્રા તેણે તેના મિત્રો સાથે 13 દિવસમાં પૂરી કરી હતી. જાડેજા અને તેની પત્નીએ મા આશાપુરના ચરણોમાં શીશ ઝૂકાવી સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
જાડેજાના ક્રિકેટમાં પ્રદર્શનની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે 3 સદી અને 18 અડધી સદી સાથે 2706 રન બનાવ્યા છે અને 268 વિકેટો પણ ઝડપી છે. જ્યારે ભારત માટે તે 174 વન-ડે રમી ચૂક્યો છે. જેમાં તેણે 2526 રન બનાવ્યા છે. જેમાં તેણે 13 અડધી સદી ફટકારી છે. એ સાથે જ તે વન-ડેમાં 191 વિકેટ ઝડપી ચૂક્યો છે.
2015માં માતાના મઢ પગપાળા જઈ રહેલા જાડેજાએ માગવું પડ્યું હતું પોલીસ પ્રોટેક્શન
વર્ષ 2015માં રવિન્દ્ર જાડેજા તેના 8 મિત્રો સાથે જામનગરથી પગપાળા માતાના મઢ ગયો હતો. જ્યારે તે ભચાઉ માર્ગ પર લાખોંદ પાટિયા પાસે પહોંચ્યો ત્યારે ચાહકોએ તેને ઘેરી લીધો હતો. તેથી તે દોડીને સાથે જતી ટ્રકમાં બેસી ગયો હતો. બાદમાં તેણે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું અને પોલીસ આવ્યા પછી તેણે ફરીથી પગપાળા યાત્રા શરૂ કરી હતી.