મહેન્દ્ર સિંહ ધોનીનો 42મો જન્મદિવસ ઈન્ડિયન ટીમને ધોનીએ આ યુવા સ્ટાર આપ્યા, નહીં તો સચિનની નિવૃત્તિ પછી બધુ ખતમ થયું હોત!

મહેન્દ્ર સિંહ ધોનીનો 42મો જન્મદિવસ ઈન્ડિયન ટીમને ધોનીએ આ યુવા સ્ટાર આપ્યા, નહીં તો સચિનની નિવૃત્તિ પછી બધુ ખતમ થયું હોત!


MS Dhoni Birthday Today: આજે એટલે કે 7 જુલાઈએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો 42મો જન્મદિવસ છે. ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં થયો હતો, ત્યારે રાંચી બિહાર રાજ્યનો એક ભાગ હતું અને આજે તે ઝારખંડની રાજધાની છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2008માં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. જ્યારે ધોનીએ ટીમની કમાન સંભાળી ત્યારે તેની સામે અનેક પડકારો હતા. જેમ કે યુવાનોને તકો આપવી અને ભવિષ્ય માટે ટીમ બનાવવી. તે તમામ પડકારોનો સામનો કરતા ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી હતી.

ધોનીએ આ 5 યુવા ખેલાડીઓને તૈયાર કર્યા
ધોનીની કેપ્ટન્શિપમાં ભારતે ICC વર્લ્ડ T20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી છે. આ સિવાય ભારત 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં એવા 5 ખેલાડીઓને તક આપી, જે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર બન્યા. જો મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતને આ 5 મેચ વિનિંગ ખેલાડીઓ ન મળ્યા હોત તો સચિન તેંડુલકરની નિવૃત્તિ બાદ જ ભારતીય ક્રિકેટ ટીમ માટે સૂર્ય આથમી શક્યો હોત. આજે વિશ્વ ક્રિકેટમાં આ 5 ક્રિકેટરોનો ડંકો વાગી રહ્યો છે.

રન મશિન વિરાટ કોહલી
વિરાટ કોહલીએ પોતાના કરિયરની શરૂઆત ધોનીની કેપ્ટન્શિપ હેઠળ કરી હતી. ધોનીએ જ વિરાટ કોહલીને વનડેમાં ત્રીજા નંબરે આવવાની તક આપી હતી. કોહલીનું સારું પ્રદર્શન જોઈને ધોનીએ તેને ટેસ્ટમાં પણ તક આપી હતી. વર્ષ 2011-12માં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સફળ ન થઈ શક્યો, પરંતુ ધોનીએ તેને વારંવાર તકો આપી હતી. વિરાટ સતત આઉટસાઈડ ઓફ સ્ટમ્પના બોલ પર અથવા કવર ડ્રાઈવ મારવા જાય ત્યારે આઉટ થઈ જતો હતો. જોકે આ ફેઝમાં ધોનીએ તેના પર વિશ્વાસ રાખી તક આપી હતી.

ધોનીના વિશ્વાસ પર વિરાટ ખરો ઉતર્યો અને ત્યારબાદ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. કોહલીએ એડિલેડમાં સદી ફટકારીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. 2012માં પર્થમાં પસંદગીકારો કોહલીની જગ્યાએ રોહિતને તક આપવા માંગતા હતા, પરંતુ ધોનીએ વિરાટ કોહલીને પોતાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. આ વાત ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પોતે કહી હતી કે હું તે સમયે વાઇસ કેપ્ટન હતો અને અમે ધોનીના કહેવા પર રોહિતની જગ્યાએ કોહલીને પસંદ કર્યો હતો.

હિટમેન શર્માએ બેવડી સદીનો વરસાદ કર્યો
ધોનીએ સતત ખરાબ ફોર્મ હોવા છતાં રોહિત શર્માને તક આપી હતી. આનાથી તેની આખી કારકિર્દી બદલાઈ ગઈ હતી. રોહિતને વનડેમાં ઓપનર બનાવવામાં ધોનીનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. વર્ષ 2013માં જ્યારથી ધોનીએ રોહિત શર્માને બેટિંગમાં ઓપનિંગ કરવાની તક આપી હતી, ત્યારથી રોહિત શર્મા એક અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિત શર્માને હિટમેન બનાવવામાં માહીનો મોટો હાથ છે.

રવિચંદ્રન અશ્વિનના સ્પિનનો જાદુ
ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આજે વિશ્વના શ્રેષ્ઠ સ્પિન બોલરોમાંથી એક છે. ધોનીએ અશ્વિનને IPL 2010માં પહેલીવાર સિલેક્ટ કરીને રમવાની તક આપી હતી. અશ્વિને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિન ધોનીની કેપ્ટનશિપમાં IPL દરમિયાન CSK તરફથી રમતો હતો. ધોનીએ તેની પ્રતિભા જોઈ અને પછી તેને ભારતીય ટીમમાં સામેલ કર્યો હતો. જેના કારણે અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. અશ્વિન વર્ષ 2010માં ટીમમાં આવ્યો હતો અને તેના એક વર્ષ બાદ 2011ના વર્લ્ડ કપમાં પણ તેની પસંદગી થઈ હતી. અશ્વિનને ટેસ્ટમાં પણ રમવાની તક મળી.

રવિન્દ્ર જાડેજાને CSKથી ઈન્ડિયન ટીમમાં સફળ બનાવ્યો
રવિન્દ્ર જાડેજા આજે ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર બની ગયો છે. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય સ્થાનોમાં જાડેજાનો કોઈ જવાબ નથી. જાડેજાને ટીમ ઈન્ડિયામાં લાવવા પાછળ ધોનીનો હાથ છે. રવિન્દ્ર જાડેજા ધોનીની કેપ્ટનશિપમાં CSK તરફથી રમતો હતા અને ધોનીએ તેને વારંવાર ટીમમાં તક આપી હતી. ધોની તેને ટીમમાં ક્યારેય રિલિઝ નહોતો કરતો. આ કારણોસર જાડેજા એક મહાન ઓલરાઉન્ડર બન્યો અને સતત તેણે પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

સુરેશ રૈના અને ધોનીનું યારાના
મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની મિત્રતા ખાસ રહી છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં રૈનાને ઘણી તક આપી હતી. ધોનીએ રૈના વિશે કહ્યું હતું કે તે એક મહાન ખેલાડી છે, તેથી આપણે તેને સમર્થન આપવું જોઈએ. જો અમે તેને સપોર્ટ નહીં કરીએ તો તે તેની નેચરલ ગેમ નહીં રમે અને ઓછા સ્કોરમાં આઉટ થઈ જશે. ધોનીએ રૈનાને સતત રમવાની તક આપી, જેના કારણે રૈનાની ગણતરી મર્યાદિત ઓવરના ક્રિકેટના ખતરનાક બેટ્સમેનોમાં થાય છે. આ કારણથી રૈનાને ફ્રિડમ આપી ઘડવામાં ધોનીનો મોટો હાથ માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *