ઝિમ્બાબ્વેએ લડત આપી પરંતુ ભારતનો વિજય
ભારત સામે 162 રનનો આસાન લક્ષ્યાંક હતો. પ્રથમ વન-ડેમાં શિખર ધવન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ જ મેચ જીતાડી દીધી હતી પરંતુ બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેએ લડત આપી હતી. ભારતને 162 રનના ટાર્ગેટ સુધી પહોંચવા માટે પાંચ વિકેટ ગુમાવવી પડી હતી. જોકે, ભારતની મજબૂત બેટિંગ લાઈનઅપના કારણે યજમાન બોલર્સ વધારે કંઈ કરી શક્યા ન હતા. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. સુકાની ઓપનર લોકેશ રાહુલ ફક્ત એક જ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન અને શુભમન ગિલની જોડીએ મક્કમતાથી બેટિંગ કરી હતી. ધવન 21 બોલમાં ચાર ચોગ્ગા સાથે 33 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ગિલે 34 બોલમાં છ ચોગ્ગાની મદદથી 33 રન નોંધાવ્યા હતા.
ઈશાન કિશન ફક્ત છ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં દીપક હૂડા અને સંજૂ સેમસને બાજી સંભાળી હતી અને ભારતને વિજય અપાવ્યો હતો. હૂડાએ 36 બોલમાં 25 રન નોંધાવ્યા હતા જ્યારે સંજૂ સેમસને ટીમ માટે સૌથી વધુ અણનમ 43 રન નોંધાવ્યા હતા. જેમાં તેણે 39 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. જ્યારે અક્ષર પટેલે અણનમ છ રનનું યોગદાન આપ્યું હતું. લ્યુક જોંગ્વેએ બે વિકેટ ઝડપી હતી જ્યારે તનાકા ચિવાંગે, વિક્ટર ન્યાઉચી અને સિકંદર રઝાએ એક-એક વિકેટ ઝડપી હતી.
શાર્દૂલ ઠાકુરની શાનદાર બોલિંગ, ઝિમ્બાબ્વેના બેટર્સ લાચાર
ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેના બેટર્સ ભારતીય બોલર્સ સામે લાચાર જોવા મળ્યા હતા. જેમાં શાર્દૂલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ 38.1 ઓવરમાં 161 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે સીન વિલિયમ્સ અને રાયન બર્લે સૌથી વધુ રન નોંધાવ્યા હતા. વિલિયમ્સે 42 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રન ફટકાર્યા હતા જ્યારે રાયને 39 રન નોંધાવ્યા હતા. શાર્દૂલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને દીપક હૂડાને એક-એક સફળતા મળી હતી.