પરિવારમાંથી કોઈ નસીમને સપોર્ટ ન કરતું, તેનો ભાઈ સંતાઈને પૈસા આપતો
પાકિસ્તાનની ટીવી ચેનલ સાથે વાત કરતાં નસીમ શાહના પિતા અબ્બાસે તેના બાળપણની વાતો શેર કરી હતી અને સાથે જ બાળપણમાં નસીમ શાહને યોગ્ય પ્લેટફોર્મ ન આપવા માટે તેમને અત્યારે પસ્તાવો પણ થઈ રહ્યો છે. અબ્બાસે જણાવ્યું કે, ક્રિકેટ રમવા માટે મેં અનેક વખત નસીમ શાહને માર માર્યો હતો. હું ક્રિકેટના બદલે તેને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતો હતો. અમારા પરિવારમાંથી કોઈપણ તેને સપોર્ટ કરતું ન હતું. માત્ર તેનો ભાઈ સંતાઈને તેને પૈસા આપતો હતો.
બાળપણમાં નસીમ પાકિસ્તાન માટે રમવાની વાત કરતો ત્યારે પરિવાર હસી પડતો
આ ઉપરાંત નસીમ શાહના પિતાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેના માતા જીવતા હતા, ત્યારે તે તેમને કહેતો કે હું એક દિવસ પાકિસ્તાન માટે રમીશ. તે સમયે આ વાત સાંભળીને અમે બધા હસી પડતા હતા, અને કહેતાં કે, એક દિરનો રહેવાસી માણસ કેવી રીતે પાકિસ્તાન ટીમમાં સામેલ થઈ શકે છે.
આજે માતાને યાદ કરીને નસીમ ખુબ રડે છે
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, બાળપણમાં નસીમ તેની માતાની ખુબ જ નિકટ હતો અને માતાને એક દિવસ પાકિસ્તાન ક્રિકેટમાં રમતો જોવા ઈચ્છતો હતો. જો કે, નસીમની આ ઈચ્છા પૂરી ન થઈ શકી. નસીમના પિતાએ કહ્યું કે, નસીમ પોતાની માતાને યાદ કરી બહુ રડે છે. નસીમ કહે છે કે, જો તેની માતા અત્યારે અહીં હોત તો, મને પાકિસ્તાનની જર્સીમાં ક્રિકેટ રમતો જોઈ ખુબ જ ખુશ થાત.