યુવરાજ સિંહે ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. આ સાથે જ તે ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. આ મેચમાં તેણે ફક્ત 12 બોલમાં જ અડધી સદી ફટકારી હતી અને તે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો ક્રિકેટર પણ બન્યો હતો. આ ઓવર પહેલા જ ઈંગ્લિશ ઓલ-રાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફે યુવરાજ સિંહ સાથે તકરાર કરી હતી. જેનો ગુસ્સો યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડ પર કાઢ્યો હતો.
યુવરાજે પોતાના પુત્ર સાથે સ્ટુઅર્ટ બ્રોડની ઓવર જોતો વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને નીચે કેપ્શનમાં લખ્યું હતું કે, 15 વર્ષ બાદ જોવા માટે આનાથી વધારે સારો પાર્ટનર શોધી શકું તેમ નથી. નોંધનીય છે કે તેના પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. યુવરાજના સાથી ક્રિકેટર ઈરફાન પઠાણે આ વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યું હતું કે, તારો પુત્ર પણ તારી ટેકનિક ધ્યાનથી જોઈ રહ્યો છે.
યુવરાજે બ્રોડે કરેલી 19મી ઓવરના પ્રથમ બોલ પર ડીપ મિડ-વિકેટ, બીજા બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ, ત્રીજા બોલ પર વાઈડ લોંગ-ઓન, ત્યારબાદ ડી પોઈન્ટ, પાંચમાં બોલ પર સ્ક્વેર લેગ અને અંતિમ બોલ પર વાઈડ લોંગ-ઓન પર સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે 12 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હજી પણ અકબંધ છે. ભારતે 20 ઓવરમાં 218 રન નોંધાવ્યા હતા અને 18 રનથી મેચ જીતી લીધી હતી.