પત્રકારોએ તેને પૂછ્યું હતું કે શું રિશભ પંતને ટીમના કોમ્બિનેશનના કારણે કે પછી ઈજાના કારણે ટીમના બહાર કરવામાં આવ્યો હતો? તેના જવાબમાં સૌરાષ્ટ્રના ઓલ-રાઉન્ડરને કહ્યું હતું કે, હું આ વિશે કંઈ જાણતો નથી, આ પ્રશ્ન મારી ચોપડીની બહારનો છે. જાડેજાનો આવો જવાબ સાંભળીને પત્રકારો હસી પડ્યા હતા.
ચોથા ક્રમે બેટિંગ કરવા અંગે જાડેજાએ આપ્યો જવાબ
રવિન્દ્ર જાડેજા મિડર ઓર્ડર કે લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હોય છે પરંતુ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેને ચોથા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગે જાડેજાએ કહ્યું હતું કે, ટીમમાં ટોચના સાત બેટર્સમાં એકમાત્ર હું જ ડાબોડી બેટર હતો, તેથી મને બેટિંગમાં ઉપરના ક્રમે મોકલવામાં આવ્યો હતો. અમે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન જોઈ હતી જેમાં એક લેફ્ટ-આર્મ સ્પિનર અને લેગ સ્પિનર હતા. હું જાણતો હતો કે મારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. મેં મારી જાતને તે રીતે માનસિક રીતે તૈયાર કરી હતી.
નોંધનીય છે કે આ ટુર્નામેન્ટ ભારત માટે ઘણી મહત્વની છે કેમ કે આ ટુર્નામેન્ટમાં કયો ખેલાડી કેવું પ્રદર્શન કરે છે તેના આધારે ટી20 વર્લ્ડ કપ માટેની ટીમની પસંદગી કરવામાં આવશે. ટી20 વર્લ્ડ કપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. જેના કારણે એશિયા કપનું ફોર્મેટ પણ ટી20 રાખવામાં આવ્યું છે. જાડેજાને પૂછવામાં આવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ હજી પણ ટી20 વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધી રહ્યું છે તે અંગે તેણે કહ્યું હતું કે, જે કોઈ ટીમ પાસે આટલા બધા બેટિંગ વિકલ્પો હોય જેવા અમારી પાસે છે તે મુક્ત રીતે રમશે. અમારી પાસે એવા બેટર છે જે કોઈ પણ ક્રમે કોઈ પણ પરિસ્થિતિમાં રમી શકે છે.