T20 World Cup 2022: દીપક ચહર ટી20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપની બહાર થયા બાદ દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ હવે દીપક જ ઈજાગ્રસ્ત થયો છે અને તેને સાજા થવામાં થોડો સમય લાગશે.
હાઈલાઈટ્સ:
- પીઠની ઈજાના કારણે ઝડપી બોલર દીપક ચહર ટી20 વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે
- મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર ઓસ્ટ્રેલિયામાં ટીમ સાથે જોડાશે
- બુમરાહના બહાર થયા બાદ ચહરને ટીમમાં સામેલ કરાશે તેવું માનવામાં આવતું હતું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દીપક ચહરને ફિટ થવામાં થોડો સમય લાગશે. તેની પીઠની ઈજા ફરીથી ઊભી થઈ છે. તેની પીંડલીમાં કોઈ મુશ્કેલી નથી. તેથી ભારતીય ક્રિકેટ કંટ્રલો બોર્ડે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરને ઓસ્ટ્રેલિયા મોકલ્યા છે. નોંધનીય છે કે દીપક ચહર સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં રમ્યો હતો પરંતુ તેની પીઠમાં ઈજા થઈ હતી અને તેના કારણે તેને વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. તે સારવાર માટે નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં ગયો છે.
ત્રણ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવ્યા છે જેથી કરીને તેમને ત્યાંના વાતાવરણમાં અનુકૂળ થવાનો પૂરતો સમય મળી શકે. જેથી જ્યારે પણ તેમની જરૂર પડે તેઓ ટીમમાં સામેલ થવા માટે સજ્જ થઈ જાય. બુમરાહના સ્થાન માટે શમીની દાવેદારી મજબૂત છે. શમી અનુભવી ખેલાડી છે અને ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ પણ કરી ચૂક્યો છે. જ્યારે સિરાજે હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. જ્યારે શાર્દૂલ ઠાકુર ઓલ-રાઉન્ડર હોવાથી તે હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે કામ કરી શકે છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ