લાન્સ ક્લુઝનરનું માનવું છે કે હાર્દિક પંડ્યાએ છેલ્લા બે-ત્રણ વર્ષોમાં પોતાની રમતમાં જબરદસ્ત સુધારો કર્યો છે પરંતુ અંહી સૌથી મોટી મુશ્કેલી એ છે કે તમામ લોકો તેની બોલિંગ અંગે ચર્ચા કરી રહ્યા છે કે શું તે મેચમાં પોતાના ક્વોટાની તમામ ઓવરો કરી શકે છે કે નહીં. તેણે કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાની બેટિંગ અંગે કોઈ સવાલ થઈ રહ્યા નથી. તે યોગ્ય પણ છે કેમ કે તે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટર્સની જેમ રમી રહ્યો છે. મુશ્કેલી તેની બોલિંગને લઈને છે. શું તે એક ઓલ-રાઉન્ડરની જેમ ત્રણેય ફોર્મેટમાં પોતાના ક્વોટાની તમામ ઓવર્સ કરી રહ્યો છે કે નહીં.
આ ઉપરાંત ક્લુઝનરે ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ સાથે હાર્દિક પંડ્યાની તુલના અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે બેન સ્ટોક્સ હાર્દિક પંડ્યા કરતા વધારે સારો ઓલ-રાઉન્ડર છે પરંતુ ભારતનો આ ઓલ-રાઉન્ડર ઝડપથી બાબતો શીખી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષોમાં પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે પરંતુ મને નથી લાગતું કે તે હજી પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. તે જેટલો ઝડપથી ત્રણેય ફોર્મેટમાં પોતાની તમામ ઓવર્સ કરવામાં સફળ રહેશે તો તે ચોક્કસથી મહાન ઓલ-રાઉન્ડર્સની યાદીમાં સામેલ થઈ શકે છે. પરંતુ ત્યાં સુધી પહોંચવામાં હજી તેને સમય લાગશે. તેથી હું હાલમાં બેન સ્ટોક્સ સાથે હાર્દિક પંડ્યાની તુલના કરી શકું નહીં.
લાન્સ ક્લુઝનરે આ મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં કઈ ટીમ ટ્રોફી માટે ફેવરિટ છે તે અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. જો તેઓ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો ટુર્નામેન્ટ ઘણી રોમાંચક બની જશે. જોકે, આમાંથી કોઈ એક ટીમની પસંદગી કરવા મુશ્કેલ રહેશે.