12 સપ્ટેમ્બર સોમવારે બીસીસીઆઈ એ 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી જેમાં ચાર રિઝર્વ ખેલાડી પણ સામેલ કરાયા હતા. જેમાંથી એક નામ મોહમ્મદ શમીનું પણ છે. ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપ બાદ શમીને કહી દેવામાં આવ્યું હતું કે તે હવે ક્યારેય ભારતીય ટી20 ટીમનો ભાગ બનશે નહીં. જોકે, હવે શમીને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. તે 10 મહિના બાદ ભારતીય ટીમમાં પરત ફરશે અને ત્યારબાદ તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ પણ રમશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે, શમી ટી20 વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી છે પરંતુ જો તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરશે તો તે 15 સભ્યોની ટીમમાં સામેલ થઈ શકે છે. પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝ દરમિયાન શમીના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે. જોકે કોઈ ખેલાડીનું પ્રદર્શન નબળુ રહેશે કે પછી કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો શમીને ટી20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી શકે છે.
જોકે, શમી પાસે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે ઘણી ઓછી તક છે. પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે, કોઈ ખેલાડી જે છેલ્લા 10 વર્ષથી ટી20 ક્રિકેટ રમ્યો નથી તેને સીધો ટી20 વર્લ્ડ કપમાં સામેલ કરી શકાય નહીં. એક પ્રક્રિયા હોય છે જેનું પાલન કરવાનું હોય છે. તેની ગેરહાજરીમાં હર્ષલ પટેલે સારું પ્રદર્શન કર્યું છે તેથી તેની અવગણના કરી શકાય નહીં. હર્ષલ અને જસપ્રિત બુમરાહ રિકવર ન થયા હોત તો શમીની પસંદગી કરવામાં આવી હોત. તેણે પણ પ્રક્રિયાનું પાલન કરવું પડશે.