હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર
પાકિસ્તાનની ટીમ ચેન્નઈની ટર્નિંગ પિચ પર અફઘાનિસ્તાન અને બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા ઈચ્છતી ન હતી. વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત બાદ પીસીબીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, પાકિસ્તાનનું રમવાનું સરકારની મંજૂરી પર નિર્ભર કરે છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે, ‘વર્લ્ડ કપમાં અમારું રમવાનું અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં કે સેમીફાઈનલમાં પહોંચવા પર મુંબઈમાં રમવાનું સરકારની મંજૂરી મળવા પર આધાર રાખે છે.’
તો, આઈસીસીના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘બધા સભ્યોએ પોતાના દેશના કાયદાનું પાલન કરવાનું છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ અમને વિશ્વાસ છે કે, પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપ રમવા ભારત આવશે.’
પાકિસ્તાન છેલ્લે 2016માં ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમ્યું હતું. બંને દેશો વચ્ચે પરસ્પરના સંબંધોમાં તણાવના કારણે બંને ટીમો આઈસીસી ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં જ એકબીજા સાથે રમે છે. એ લગભગ નક્કી જ હતું કે, બે મેચ બીજે રમાડવાની પાકિસ્તાનની અપીલ બીસીસીઆઈ ફગાવી દેશે, કેમકે સામાન્ય રીતે સુરક્ષાને લઈને ખતરાની દિશામાં જ તે આવી અપીલને માન્ય રાખે છે.
પીસીબી અધ્યક્ષ પદની ચૂંટણી હવે 17 જુલાઈ સુધી ટળી ગઈ છે, તો જોવાનું એ રહે છે કે, બોર્ડ વર્લ્ડ કપના કાર્યક્રમ પર કઈ રીતની પ્રતિક્રિયા આપે છે. નજમ સેઠીના રાજીનામા બાદ બોર્ડનું કામકાજ વચગાળાના અધ્યક્ષ અહમદ શહજાદ ફારુક રાણા જોઈ રહ્યા છે.