હાલમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યા છે. યુસુફ પઠાણ ભિલવાડા કિંગ્સ માટે રમી રહ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઝડપી બોલર મિચેલ જ્હોનસન ઈન્ડિયા કેપિટલ્સ માટે રમી રહ્યો છે. રવિવારે રમાયેલી મેચમાં આ બંને ખેલાડીઓ વચ્ચે તકરાર થઈ હતી અને જ્હોનસને યુસુફ પઠાણને ધક્કો માર્યો હતો.
હાઈલાઈટ્સ:
- લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝનની એક મેચમાં યુસુફ અને જ્હોનસન વચ્ચે તકરાર થઈ હતી
- મિચલે જ્હોનસને યુસુફ પઠાણને ધક્કો મારી દીધો હતો, અમ્પાયર્સે મામલો શાંત પાડ્યો હતો
- આ મેચમાં યુસુફની ટીમ ભિલવાડા કિંગ્સને ઈન્ડિયા કેપિલ્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુસુફ પઠાણ અને મિચેલ જ્હોનસન વચ્ચે તકરાર થઈ ગઈ હતી અને બાદમાં બંને ઘણા ઉગ્ર બની ગયા હતા. મિચેલ જ્હોનસને યુસુફ પઠાણને ધક્કો પણ માર્યો હતો. જોકે, બાદમાં અમ્પાયર્સે બંનેને અલગ કર્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો.
જોકે, બાદમાં યુસુફ પઠાણે તેનો જવાબ બેટથી આપ્યો હતો અને ત્યારપછી તેણે મિચેલ જ્હોનસનની ઓવરમાં 6,4,6 ફટકારી હતી. જોકે, યુસુફ પઠાણની આક્રમક બેટિંગ છતાં ભિલવાડા કિંગ્સને ચાર વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોધપુરના બરકતુલ્લાહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની રોસ ટેલરે 39 બોલમાં 84 રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના એશ્લે નર્સે અણનમ 60 રન ફટકાર્યા હતા. તેણે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. ઈન્ડિયા કેપિટલ્સે ત્રણ બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી.
ભિલવાડા કિંગ્સ ટીમે પાંચ વિકેટે 226 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જોકે, ટેલર અને નર્સની ઝંઝાવાતી બેટિંગની મદદથી ઈન્ડિયા કેપિટલ્સે વર્તમાન સિઝનમાં ટુર્નામેન્ટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભિલવાડા કિંગ્સ ટીમનો કેપ્ટન ઈરફાન પઠાણ છે. આ ટુર્નામેન્ટની ફાઈલ મેચ બુધવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ