વિદેશમાં પર્ફોર્મ કરવા માટે ઉત્સાહિત છે ભૂમિ ત્રિવેદી
દર વર્ષે પ્રી-નવરાત્રી કોન્સર્ટ લગભગ દોઢ મહિના પહેલા જ શરૂ થઈ જાય છે, જે આર્ટિસ્ટના કેલેન્ડરને વ્યસ્ત રાખે છે. તેવું જ નવરાત્રી વખતે અને ત્યારબાદ પણ થાય છે. આ તેવો સમય છે જેની મોટાભાગના મ્યૂઝિશિયન દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે. કારણ કે, તે તેમને ઉત્સાહીત લોકો સામે માત્ર લાઈફ પર્ફોર્મન્સ કરવાની તક જ નહીં પરંતુ નાણાકીય સ્થિરતા પણ પ્રદાન કરે છે. બે વર્ષ બાદ વિદેશમાં પર્ફોર્મ કરવા વિશે વાત કરતાં ભૂમિ ત્રિવેદીએ કહ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયામાં હું પ્રી-નવરાત્રી કોન્સર્ટ કરીશ અને ત્યારબાદ અમેરિકા અને કેનેડા જઈશ. છેલ્લા કેટલાક વર્ષોથી હું ગરબા રમવાનું એટલું મિસ કરતી હતી કે નવરાત્રી દરમિયાન મારા ડાઈનિંગ ટેબલની આસપાસ ગરબાના ગીતો પર નાચતી હતી. જો કે, ગયા વર્ષે નવરાત્રીના કાર્યક્રમ માટે કેટલાક તેવા સ્થળો હતા જ્યાં 50થી 200 લોકોની હાજરી જોવા મળતી હતી. ત્યાં પર્ફોર્મ કરવા માટે હું વધારે ઉત્સુકતા નહોતી. પરંતુ આ વખતે હું ખરેખર નવરાત્રી પહેલા અને પછી દેશ બહાર પર્ફોર્મ કરવા માટે ઉત્સુક છું. એક કલાકાર તરીકે, નવરાત્રી સાથે ઘણી લાગણીઓ જોડાયેલી છે અને તે ખૂબ જ શુભ તબક્કાની શરૂઆત જેવું લાગે છે’.
‘વિદેશમાં વસતાં ગુજરાતીઓને પસંદ છે પરંપરાગત ગીતો’
મોટાભાગના દેશોમાં ગરબા રમનારાઓ પરંપરાગત ગરબા ગીત પસંદ કરે છે, જે કલાકારો માટે વિદેશી પર્ફોર્મન્સને વધુ ઉત્સાહિત બનાવે છે. ‘અહીંયા લોકો પરંપરાગત ગરબા ગીતની માગ કરે છે, કારણ કે તેઓ તેને મિસ કરે છે. તેથી અમે તેને ધ્યાનમાં રાખીને અમારા ગીતની લાઈન-અપ્સ ડિઝાઈન કરીએ છીએ. જૂના પરંપરાગત ગીતો પર પર્ફોર્મ કરવાની મજા આવે છે’, તેમ ઈશાની દવેએ જણાવ્યું હતું, જે હાલ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પર્ફોર્મ કરી રહી છે.
પ્રી-નવરાત્રી સેલિબ્રેશનને ગણાવ્યું આશીર્વાદ સમાન
કોન્સર્ટ માટે કલાકારો અગાઉથી તૈયારીઓ કરે છે અને વિદેશમાં વસતા ગુજરાતીઓને સારા અનુભવ આપવાનો પ્રયાસ કરે છે. અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, ‘હાલ હું પ્રી-નવરાત્રી કોન્સર્ટ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં આ માટે અમેરિકા જઈશ. ચાર વર્ષ પછી હું યુએસએનો પ્રવાસ કરીશ અને તેથી હું ઉત્સાહિત છું. મારા કોન્સર્ટમાં આવતા વિદેશી પ્રેક્ષકોની સૌથી સારી વાત એ છે કે, વડોદરાની જેમ તેઓ પણ તહેવાર પરંપરાગત રીતે મનાવે છે અને બોલિવુડ નંબર જેવી બાબતોની ડિમાન્ડ કરતાં નથી. આ સિવાય અમે ટ્રેડિશનલ ઈન્સ્ટ્રૂમેન્ટ જ વગાડીએ છીએ, હકીકતમાં નવરાત્રીની ઉજવણી આટલી વહેલી શરૂ થાય તે હકીકતમાં આશીર્વાદ સમાન લાગે છે. હું બે વર્ષ પછી નવરાત્રી દરમિયાન પર્ફોર્મ કરવાનો હોવાથી ચાહકોને પણ કંઈક સારું આપવા માગું છું. નવરાત્રી બાદ હું કેનેડામાં કોન્સર્ટ કરીશ અને અમારું ગ્રુપ ફરીથી વિદેશમાં પર્ફોર્મ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે’. – સૌમિત્રા દાસના ઈનપુટથી